• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • With The Arrival Of Chief Minister Bhupendra Patel For The First Time In Bharuch, Tantra Started Working To Transform Roads And The City.

CMના કાર્યક્રમથી લોકોને રાહત:ભરૂચમાં પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમનને લઈ તંત્ર રસ્તા અને શહેરની કાયાપલટ કરવાના કામે લાગ્યું

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં ખાડામાં ગયેલા માર્ગોનું સમારકામ અને રંગરોગણ કરાતા લોકોને રાહત
  • મુખ્યમંત્રી પીએમ કેર હેઠળ ઓક્સિજન પ્લાન્ટનું કરશે લોકાર્પણ

મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભુપેન્દ્ર પટેલ ભરૂચમાં ગુરૂવારે ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ માટે આવી રહ્યાં છે. નવા મુખ્યમંત્રીના પ્રથમ વખત આગમનને લઈ રાતોરાત રસ્તા અને શહેરની કાયાપલટ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકાર આવ્યા બાદ ગુરૂવારે પ્રથમ વખત મુખ્યમંત્રી ભરૂચ પધારી રહ્યાં છે. તેઓના આગમનને વધાવવા જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપ સજ્જ થઈ ગયું છે.મુખ્યમંત્રી ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલમાં પી.એમ. કેર હેઠળ ઓક્સિજન પ્લાન્ટ સહિત અન્ય લોકાર્પણના કાર્યો માટે આવી રહ્યાં હોય શહેરના માર્ગો પર યુદ્ધના ધોરણે પેચવર્ક થઈ રહ્યું છે.

ચોમાસામાં ખાડામાં ગયેલા રસ્તાઓને પાલિકા, આર એન્ડ બી સહિતના તંત્ર દ્વારા દુરસ્ત કરી ગંદકી, કચરો દૂર કરવામાં આવી રહ્યાં છે. સાથે ડીવાઈડરોને રંગરોગાન અને સુશોભન કરી તંત્ર મુખ્યમંત્રીને આવકારવા થનગની ઉઠ્યું છે.માર્ગોનું સમારકામ સાથે સાફ સફાઈ અભિયાન હાથ ધરાતા વાહનચાલકો અને પ્રજા પણ હાલ કામગીરીને લઈ ખુશી જોવા મળી રહી છે.

હાથથી ઉખડી જાય તેવું કાર્પેટિંગ કરાયું છે
ભરૂચ નગર પાલિકા તંત્ર દ્વારા માત્ર દેખાડા માટે કામગીરી કરાઇ રહી છે. ભરૂચ શહેરની મુલાકાતે આવનાર રાજ્યના સીએમને સબ સલામત દર્શાવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. હાલમાં માર્ગો પર ખાડા પુરવા માટે જે કાર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે. તે હાથથી ઉખડી જાય તેવું હલકી ગુણવત્તાવાળું છે. અને આ કામગીરી માટે શહેરીજનોના ટેક્ષના રૂપિયાનો વેડફાટ કરાઇ રહ્યો છે. > સમશાદઅલી સૈયદ, વિપક્ષનેતા, ભરૂચ નગરપાલિકા.

અન્ય માર્ગો પર સ્થિતિ હજી જૈસૈ થે
સીએમ ભુપેન્દ્ર પટેલ ભરૂચમાં કાર્યક્રમમાં આવી રહ્યાં હોઇ તેમના રૂટના રસ્તાની મરામત કરાઇ રહી છે. જોકે, શહેરના અન્ય માર્ગોની હાલત હજી પણ તેવી જ છે. પાલિકા દ્વારા કોઇ ઉચ્ચકક્ષાના નેતા આવવાના હોય ત્યારે જે રીતે કામ કરાય છે તે જ રીતે સામાન્ય દિવસોમાં કામગીરી કરાય તો સ્થાનિકોની સમસ્યાઓનું નિરાકરણ આવી જાય તેમ વિપક્ષે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...