ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજે ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવશે ત્યારે પવન પણ પતંગરસિકોને નિરાશ કરશે નહિ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે પવનની ગતિ 11 કિમી અને રવિવારે પતંગની ગતિ 14 કિમી પ્રતિ કલાકની રહેશે. ચાલુ વર્ષે પતંગના ભાવમાં 40 ટકાનો વધારો હોવા છતાં માત્ર ભરૂચ શહેરમાં જ 5 કરોડથી વધુના પતંગોનું વેચાણ થયું હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. ભરૂચ શહેરમાં ઉત્તરાયણની પુર્વ સંધ્યાએ બજારોમાં ખરીદી નીકળતાં વેચારીઓ ખુશખુશાલ થઇ ગયાં હતાં.
ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી કોટનની દોરીના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો હતો. એક દિવસમાં 15 હજાર કરતાં વધારે રીલો શહેરમાં ચઢાવવામાં આવતી હતી. કોરોનાની મહામારી બાદ ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. આજે ધાબાઓ પર ડાન્સ અને ડિનરની પાર્ટીઓ સાથે લોકો પતંગો ઉડાવશે. ઉંઘિયા અને જલેબીની માગ રહેવાની હોવાથી ઠેર ઠેર દુકાનો ખોલી દેવામાં આવી છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં કરોડો રૂપિયાની પતંગો તથા દોરીઓનું વેચાણ થયું છે.
ચાલુ વર્ષે શનિવારે ઉતરાયણ આવી હોવાથી શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુધી લોકો પતંગો ચગાવવાનો આનંદ માણશે. પતંગની દોરીથી લોકોને બચાવવા માટે આજે લોકો સીટી બસમાં મફત મુસાફરી પણ કરી શકશે. નગરપાલિકાએ તેની જાહેરાત પણ કરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.