ફરિયાદ:યુવતી ભાગી જતાં યુવકના પિતાનું અપહરણ કરી માર્યા

ભરૂચ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લાના એક ગામના બનાવ બાદ તંગદિલી

ભરૂચ જિલ્લાના એક ગામમાં રહેતી યુવતીને ગામનો યુવાન ભગાડી ગયાં બાદ ભારે હોબાળો મચી ગયો હતો. યુવતીનો પત્તા મેળવવા યુવતીના જ્ઞાતિજનોએ યુવકના પિતાનું અપહરણ કરી તેમને ગોંધી દીધાં હતાં. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ગામમાં દોડી ગયો હતો અને યુવકના પિતાને હેમખેમ છોડાવ્યાં હતાં. યુવક અને યુવતીને પરત લાવવાની માગ સાથે ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કર્યો હતો. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયાં હતાં અને ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.

બીજી તરફ પોલીસે ટીમો બનાવી ભાગી ગયેલાં યુવક અને યુવતીઓને શોધવા માટેની કવાયત તેજ બનાવી દીધી છે. સમગ્ર જિલ્લામાં આખો દિવસ આ બનાવ ચર્ચાની એરણે રહયો હતો. ગામમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સતત અવરજવર રહી હતી. યુવતીના પરિવારજનો અને ગામલોકો યુવક અને યુવતીને વહેલી તકે પરત લાવવામાં આવે તેવી માગ સાથે અડગ રહયાં હતાં અને પોલીસ સ્ટેશનને પણ ઘેરાવો કર્યો હતો. ગામમાં હજી પણ તંગદિલી ફેલાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...