ક્રાઇમ:પાર્કિંગમાં કારનું એસી ચાલુ રાખી અડધો કલાક વાત કરી રૂપિયા લીધા વગર ડ્રોઅરમાં મુકાવ્યાં

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીનો હાથ અડાડ્યા વિના લાંચ લેવાનો કિમિયો

ભરૂચ સમાજ કલ્યાણ કચેરીના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીએ લાંચના રૂા. 10 હજારને અડક્યા વગર જ લેવાનો કિમીયો અજમાવ્યો હતો. અધિકારીએ સમાજ કલ્યાણ કચેરીના પાર્કિંગમાં મુકેલી કારમાં ફરિયાદીને બોલાવ્યો હતો. કારનું એસી ચાલુ કરી અડધો કલાક સુધી વાતચીત કર્યા બાદ લાંચના રૂપિયા જાતે સ્વીકારવાના બદલે કારના ડ્રોઅરમાં મૂકાવી દીધા હતાં. દરમિયાન ફરિયાદીએ મોબાઇલથી ઇશારો કરતાં એસીબીની ટીમે અધિકારીને ઝડપી પાડ્યો હતો. એસીબીની ટીમે તેના ઘરે સર્ચ કરતા 80 હજારની અસ્કયામત મળી આવી હતી.તેેને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ફરિયાદીએ ઇશારો કરતાં ACBએ દબોચ્યો
ભરૂચના અનુસૂચિત જાતિના યુવક અને તેના મિત્રોને ગામનું તળાવ ખોદવાના મુદ્દે તકરાર થતાં માર માર્યો હતો. ઇજાગ્રસ્તોને મળવા પાત્ર સહાયના રૂા. 3 લાખ માટે સમાજ કલ્યાણ કચેરીમાં અજમાઇશી પીરિયડમાં ફરજ બજાવતા વર્ગ-3 ના અધિકારી હિમાંશુ જ્યંતિ સોલંકીએ રૂા. 30 હજારની કટકી માગી હતી.વાતચીતના અંતે રૂા. 10 હજાર નક્કી થતાં શુક્રવારે એસીબીની ટીમે છટકુ ગોઠવ્યું હતું.અધિકારી હિમાંશુ સોલંકીએ ફરિયાદીને કચેરીના પાર્કિંગમાં બોલાવ્યો હતો. અધિકારીએ લાંચના રૂપિયા કારના ડ્રોઅરમાં મૂકી દેવા કહ્યું હતું. ફરિયાદીએ રૂા. 10 હજાર મૂકીને મોબાઇલથી ઇશારો કરતાં એસીબીની ટીમે અધિકારીને ઝડપી પાડ્યો હતો. અન્ય એક ટીમે ડીએસપી કચેરી સામે સરકારી ક્વાટર્સ સ્થિત અધિકારીના નિવાસસ્થાને સર્ચ કર્યું હતું. પીઆઇ વસાવાએ તેને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

નોકરીના સવા વર્ષમાં જ અધિકારીની લાંચની પ્રેકટીસ
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી હિમાંશુ સોલંકીનું વર્ષ 2019થી નોકરીમાં જોડાયો હતો. તેને ફરજમાં એક વર્ષ ત્રણ મહિના થયા છે. તેનો રૂા. 38 હજાર ફિક્સ પગાર છે. તેણે નોકરીના એક જ વર્ષમાં લાંચની પ્રેકટીશ શરૂ કરી હતી અને રૂા. 10 હજારની લાંચ લેતા પકડાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...