ધરપકડ:ભરૂચ તાલુકામાં 1986ની ઘરફોડ ચોરીનો વોન્ટેડ આરોપી 36 વર્ષે મોરબીથી ઝડપાયો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પકડાઇ જવાની બીકે નામ બદલી માળીનું કામ કરતો હતો
  • પોલીસે ત્રણ દિવસ શ્રમિકના વેશમાં વિસ્તારમાં તપાસ કરી

ભરૂચમાં વર્ષ 1986માં એબીસી કોલોનીમાં તસ્કર ટોળકીએ 39 હજારની ઘરફોડ ચોરી કેસમાં છેલ્લાં 36 વર્ષથી વોન્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે મોરબીથી ઝડપી પાડ્યો હતો. પોલીસથી બચવા માટે આરોપી નામ બદલી રહેતો હતો. જોકે, પોલીસે ત્રણ દિવસ સુધી શ્રમિકનો વેશ બદલી આરોપીની ચોક્કસ વિગતો મેળવી તેને દબોચી લીધો હતો. ટીમે આરોપીને તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વર્ષ 1986માં ભરૂચની એબીસી કોલોનીમાં શ્રમજીવી તરીકે કામ અર્થે આવતી દાહોદની ટોળકીએ એક મકાનમાં હાથફેરો કરી 39 હજાર ઉપરાંતની સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ચોરીમાં દાહોદના વરમખડા ખાતેના વતની નારસિંગ જવલા બારિયાની સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

ચોરીની ઘટનાના 36 વર્ષથી તે વોન્ટેડ હતો. દરમિયાનમાં ભરૂચ પેરોલ સ્કવોર્ડના પીએસઆઇ ડી. આર. વસાવા તેમજ તેમની ટીમના હેકો મગનભાઇ, નિલેશભા તેમજ પોકો રાકેશભાઇએ દાહોદ ખાતે તપાસ કરાવતાં તેમના પરિવારજનોએ તેના કોઇ સગડ આપ્યાં ન હતાં.

જોકે, બાદમાં પોલીસે વેશબદલી તેને સરકારી સહાય મળવાની છે તેમ જણાવતાં તે હાલમાં મોરબી તાુકાના જેપુર ખાતે એક વાડીમાં માળીનું કામ કરતો હોવાની વિગતો મળી હતી. જેના પગલે ટીમે મોરબી પહોંચી ત્રણ દિવસ સુધી શ્રમજીવીનો વેશ કરી તેને શોધતાં તે રસીકભાઇ નામના શખ્સની વાડીમાં કામ કરતો હોવાનું માલુમ પડતાં આખરે ટીમે તેને ઝડપી પાડી ભરૂચ લાવી તાલુકા પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...