તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દહેજની વેલસ્પન કંપનીના કર્મચારીઓની વ્હારે આવ્યા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી

દહેજની વેલસ્પન કંપનીના સંચાલકો દ્વારા કર્મચારીઓની અન્યત્ર ટ્રાન્સફર અને છુટા કરી દેવાયા બાદ કર્મચારીઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેમની વ્હારે હવે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા આવ્યા છે.

દહેજ સ્થિત વેલસ્પન કંપની દ્વારા તબક્કાવાર કર્મચારીઓ તેમજ સ્ટાફને બીજા પ્લાન્ટમાં બદલીના બહાને મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓના રાજીનામાં લખાવી લેવામાં આવ્યા હતા. કંપની દ્વારા 600 જેટલા કર્મચારીઓનું ભાવી અધ્ધરતાલ કરી દેવામાં આવ્યું હતું જેના પગલે કર્મચારીઓ આંદોલનો ચલાવી રહ્યા છે અને ધારણા કાર્યક્રમ આપી રહ્યા છે.

આજરોજ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમની વ્હારે આવ્યા હતા. અરૂણસિંહ રણાએ કર્મચારીઓ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે જઈ આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં કર્મચારીઓને ન્યાય મળે તે માટેની માંગ કરવામાં આવી હતી.

વાગરાના વડદલા ખાતે આવેલ વેલસ્પન કંપનીએ જૂનમાં કોરોનાનું બહાનું આગળ ધરી 416 કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ આપ્યા હતા. જોકે કામદારોને વર્ક ફ્રોમ હોમના આદેશ પાછળ કંપનીની મેલી મુરાદ હોવાની આશંકા જતા અવાજ ઉઠાવ્યો હતો. જોલવા ખાતે કામદારોએ મિટિંગ કરતા જ કંપની મેનેજમેન્ટે 416 કામદારોની અંજાર અને ભોપાલ બદલીના હુકમ કર્યા હતા.

કંપનીમાં 20-22વર્ષથી કામ કરતા કામદારો અંજાર કે ભોપાલ જઈ શકવાના નથી તે જાણવા છતાં બદલી કરાતા કામદારોમાં રોષ ઉભો થયો હતો. જેમાં કામદારોએ યુનિયનને આગળધારી આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. છેલ્લા એક મહિનાથી કંપનીના ગેટ સામે ધરણા પર બેસેલા હોવા છતાં કંપની મેનેજમેન્ટે મચક આપતી નથી. થોડા દિવસ પહેલા કામદારોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા આખરે કલેકટરના આદેશથી મેનેજમેન્ટે કામદારો સાથે મંત્રણા કરી માત્ર 2.5 થી રૂપિયા ત્રણ લાખ જ કામદાર દીઠ ચૂકવવાનું જાહેર કરતા કામદારો વધુ ઉગ્ર બન્યા હતા.

સોમવારના રોજ કામદારોએ ધારાસભ્ય અરુણસિંહ રણાને રજુઆત કરી હતી. જેમાં કામદારોની વ્યથા સાંભળી અરુણસિંહ રણા કંપની મેનેજમેન્ટની નીતિ સામે લાલઘૂમ બન્યા હતા.મંગળવારે ધારાસભ્ય અરુણસિંહ રણા કામદારોની આગેવાની લઈ કલેકટર કચેરી પહોંચ્યા હતા.જ્યાં તેમણે કંપની કામદારોનું સીધું શોષણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમને રોષ સાથે જણાવ્યું હતું કે વેલસ્પન કંપની પાસે પાઇપ ઉત્પાદન માટેના ઓર્ડર પેન્ડિંગ છે.

કંપની નફો કરે છે. શહેરના માર્કેટમાં સારા ભાવ છે છતાં કામદારોને અન્યાય કરે છે. તેમનું શોષણ કરે છે. પરંતુ 416 કામદાર પરિવારોને ન્યાય અપાવવાનો મારો ધર્મ છે.કામદારોને ન્યાય અપાવીને જ રહીશ તેવો હુંકાર પણ તેમણે કરી કલેકટરને લેખિત અને મૌખિક રજુઆત સાથે ન્યાયની માંગ કરી હતી.

કંપનીના અધિકારી કર્મચારીઓને ડરાવવા ધમકાવવાનું બંધ કરે
કામદારોને ડરાવી ધમકાવી રાજીનામુ લખાવી લેવાતું હોવાની ફરિયાદ મળતા કંપનીના અધિકારી સંદીપ ગ્રોવરને ઉદ્દેશી કહ્યું હતું કે, કામદારોને ડરાવી ધમકાવી તેમનું શોષણ કરવાનું બંધ કરો.હવે જો ડરાવવા ધમકાવવામાં આવશે તો અમારે પણ એ જ રીતે લડાઈ લડવી પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.> અરુણસિંહ રણા,વાગરા ધારાસભ્ય

દહેજની વેલસ્પન કંપનીની સામે ધારાસભ્યએ કરેલા આક્ષેપો

  • વેલસ્પનના કામદારોના લેબર કોર્ટમાં કેસ તથા વિવિધ સરકારી કચેરીમાં ચાલતા છતાં બદલી કરવી ગુના પાત્ર છે.
  • 400 કામદારો-200 સ્ટાફને ઘેર બેસાડવા મંજૂરી લીધી નથી
  • કંપની બંધ કરવા ક્લોઝર સહિ તની કોઈ કાર્યવાહી કમ્પની મેનેજમેન્ટે કરી નથી.
  • કંપની બંધ કરવા ક્લોઝર લઈ કામદારોને યોગ્ય વળતર ચૂકવી છુટા કરી શકાય પરંતુ કંપનીએ એવું કર્યું નથી.
  • વેલસ્પન કંપનીના બીજા યુનિટોમાં કામદારોને પગાર વધારા અને પ્રમોશનો અપાય છે, જ્યારે દહેજમાં છુટા કરવા બદલી કરાય એ યોગ્ય નથી.
અન્ય સમાચારો પણ છે...