ભારતીય સંસ્કારોએ એવોર્ડ અપાવ્યો:ગુજરાતનું ગૌરવ, ભરૂચના વિમલ ચોકસી પ્રતિષ્ઠિત બ્રિટીશ એમ્પાયરનો એવોર્ડ મેળવ્યો

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હકારાત્મક અભિગમ સાથે સમાજ અને રાષ્ટ્ર માટે ઉત્તમ સેવાઓ પ્રદાન કરવા એવાર્ડ મળ્યો
  • વિમલ આસ્ટનમાં કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવેલા પહેલા ભારતીય કાઉન્સીલર પણ છે

ભરૂચના યુવાન વિમલ ચોકસીએ યુનાઈટેડ કિંગડમમાં બ્રિટીશ સરકારના ત્રણ સર્વોચ્ચ એવોર્ડમાંથી એક એવોર્ડ મેળવી ભારતને ગૌરવ અપાવ્યું છે. બ્રિટીશ સરકારના ત્રણ સર્વોચ્ચ એવોર્ડ માનો એક એવોર્ડ એટલે કે મેમ્બર ઓફ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર એવોર્ડ વિમલ ચોકસીએ મેળવ્યો છે. વિમલ ચોકસીએ હકારાત્મક અભિગમ સાથે સમાજ અને રાષ્ટ્ર માટે ઉત્તમ સેવાઓ પ્રદાન કરવા બદલ બ્રિટીશ એમ્પાયરના ક્વિને તેમના જન્મદિવસે એવોર્ડની ઘોષણા કરી હતી.

એવોર્ડ આસ્ટનમાં સ્થાયી થયેલા વિમલ ચોકસીએ મેળવ્યો
યુનાઈટેડ કિંગડમમાં ત્યાંના ક્વિનના જન્મ દિવસે બ્રિટીશ એમ્પાયરના ત્રણ સર્વોચ્ચ એવોર્ડની ઘોષણા કરવામાં આવે છે. જેમાંનો એક એવોર્ડ એટલેકે મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયરનો એવોર્ડ મૂળ ભરૂચના અને હાલ આસ્ટનમાં સ્થાયી થયેલા વિમલ ચોકસીએ મેળવ્યો છે. વિમલ ચોકસી આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય અને પ્રથમ એશીયન છે. બ્રિટીશ ક્વિને તેમના જન્મદિવસે બ્રિટીશ એમ્પાયરના ત્રણ સર્વોચ્ચ એવોર્ડની ઘોષણા કરી હતી. જેમાં શ્રેષ્ઠ હકારાત્મક અભિગમ સાથે સમાજ અને રાષ્ટ્રને ઉત્તમ સેવાઓ પ્રદાન કરવા બદલ વિમલ ચોકસીને મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયરનો એવોર્ડ અર્પણ કરવાની ઘોષણા કરાઈ છે.

વિમલ ચોકસી ભરૂચ જિલ્લાના આમોદના વતની
બ્રિટીશ એમ્પાયરનો સર્વોચ્ચ એવોર્ડ મેળવનાર વિમલ ચોકસી ભરૂચ જિલ્લાના આમોદના વતની છે. હાલ તેમનો પરિવાર ભરૂચમાં સ્થાયી થયેલો છે. ભરૂચના વરિષ્ઠ પત્રકાર પ્રવિણભાઈ ચોકસીના પુત્ર વિમલ ચોકસીએ વિદ્યાનગર ખાતેથી ઇમ્ફોર્મેશન ટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેઓ યુ.કે. ગયા હતા. જ્યાં બોર્નમાઉથ યુનિવર્સિટીમાંથી તેમણે ઇન્ટરનેશનલ બિઝનેશ એડમીનીસ્ટ્રેશન (આઈ.બી.એ.) ની ડિગ્રી મેળવી ઓલ્ડહામ કાઉન્સીલમાં જોડાઈ ત્યાં જ સ્થાયી થયા હતા.

આસ્ટનમાં કાઉન્સીલર તરીકે ચૂંટાઈને પહેલા ભારતીય કાઉન્સીલર બન્યા
માન્ચેસ્ટરમાં રહી સામાજીક કાર્યો કરતા કરતા તેઓ ત્યાંની લેબર પાર્ટી સાથે જોડાયા હતા. એટલું જ નહીં ઓલ્ડહામ અને આસ્ટન શહેરમાં વિવિધ સામાજીક સંસ્થાઓમાં રહી પોતાની સેવાઓ આપી હતી. આસ્ટનમાં કાઉન્સીલર તરીકે ચૂંટાઈને પહેલા ભારતીય કાઉન્સીલર બનવાનું ગૌરવ પણ તેમણે પ્રાપ્ત કર્યું હતું. ઓલ્ડહામ અને આસ્ટન શહેરમાં સમાજ અને રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવા બદલ બ્રિટીશ એમ્પાયરના સર્વોચ્ચ ત્રણ એવોર્ડમાંના એક એવોર્ડ ‘મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર’ એવોર્ડ પ્રાપ્ત કરી તેમણે ભરૂચ અને ભારતને ગૌરવ પ્રદાન કર્યું છે.

બ્રિટીશ એમ્પાયરના ત્રણ સર્વોચ્ચ એવોર્ડ​​​​​​​
યુ.કે.માં ત્યાંની રાણીના જન્મ દિવસે બ્રિટીશ એમ્પાયરના ત્રણ સર્વોચ્ચ એવોર્ડની ઘોષણા કરવામાં આવે છે. જેમાં પ્રથમ સર્વોચ્ચ એવોર્ડ ‘કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર એવોર્ડ’ (CBE) છે. વિશ્વયુદ્ધ દરમિયાન કિંગ જ્યોર્જે રાષ્ટ્રની સુરક્ષા માટે શ્રેષ્ઠ કાર્ય કરનાર માટે આ એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી. બીજા ક્રમે ‘ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર’ (OBE) છે. જ્યારે ત્રીજા ક્રમે ‘મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર’ (MBE) એવોર્ડ છે. જે સમાજ અને રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરનાર વ્યક્તિને અપાય છે

કઈ રીતે થાય છે પસંદગી
ત્રણ સર્વોચ્ચ એવોર્ડ માટે બ્રિટીશ ગવર્નમેન્ટે એક વિશેષ કમિટીની રચના કરી છે. જે ત્રણે કેટેગરી માટે સરકારના વિવિધ વિભાગો પાસેથી નામો મંગાવી તેની ચકાસણી કરી પ્રાઈમ મીનીસ્ટરને મોકલે છે. પ્રાઈમ મીનીસ્ટર આ નામોની ચકાસણી કરી બ્રિટીશ એમ્પાયર ક્વિનને મોકલે છે. ક્વિન આ નામોમાંથી યોગ્ય નામો નક્કી કરી તેમના જન્મદિવસે એવોર્ડની ઘોષણા કરે છે. ત્યારબાદ બર્કિંગહામ પેલેસ ખાતે યોજાતા એવોર્ડ અર્પણ સમારોહમાં વિશેષ સન્માન સાથે ત્રણ સર્વોચ્ચ એવોર્ડ અર્પણ કરાય છે.

ભારતીય સંસ્કૃતિ અને પરિવારમાંથી મળેલા સંસ્કારોએ એવોર્ડ અપાવ્યો છે : વિમલ ચોકસી બ્રિટીશ સરકારના ત્રણ સર્વોચ્ચ એવોર્ડમાંથી ‘મેમ્બર ઓફ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર’નો એવોર્ડ મેળવવા બદલ ગૌરવ અનુભવુ છું. એવોર્ડ માટે ભારતીય સંસ્કૃતિ અને પરિવાર તરફથી મળેલા સંસ્કારો જવાબદાર છે. જે કાર્ય માટે મને એવોર્ડ પ્રાપ્ત થયો છે. તે કાર્યો સતત ટકાવી રાખવા કટીબદ્ધ છું. રાજનીતિ એ સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ભારતના યુવાધને રાજનીતિમાં સક્રિય થઈ હકારાત્મક અભિગમ સાથે સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...