તરૂણોએ દાખવ્યો રસીમાં રસ:ભરૂચ જિલ્લામાં પહેલાં જ દિવસે 17 હજાર તરૂણોનું રસીકરણ

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના કુલ 90 હજાર વિદ્યાર્થીઓને સમાવાશે
  • પ્રથમ તબક્કામાં 30 હજાર છાત્રોને વેક્સિન અપાશે
  • અમે વેક્સિન લીધી તમે પણ વેક્સિન લો ઃ હવે અમે નિર્ભય બની ઓફલાઈન શિક્ષણ મેળવી શકીશું

ભરૂચ જિલ્લામાં સોમવારથી બાળકોને વેક્સિનેટેડ કરવાની કામગીરી શરૂ થઇ ગઇ હતી. જિલ્લાના 90 હજાર બાળકો પૈકી પ્રથમ તબક્કામાં 30 હજાર બાળકોને સોમવારે વેક્સિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જે પૈકી 61.15 ટકા એટલે કે 18,411 બાળકોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં કોરોનાની રસીથી આડ અસર થઇ હોય તેવો એક પણ કિસ્સો સામે આવ્યો ન હતો.

ભરૂચ જિલ્લામાં 15થી 18 વર્ષના વયજુથના કિશોરોને વેક્સિન આપવાની ઝૂંબેશ હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓમાંથી માહિતી એકત્ર કરવામાં આવતાં 90 હજાર બાળકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવાની સોમવારથી શરૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં સોમવારે દરેક તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને સેન્ટરો મળી કુલ 259 સાઇટ પર 30,104 છાત્રોને વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યાથી દરેક નિર્ધારિત શાળાઓમાં આરોગ્ય વિભાગની 259 ટીમોને તૈનાત કરી દેવાઇ હતી.

જે બાદ તબક્કાવાર રીતે બાળકોને તેમના આઇડી કાર્ડ, શાળાના કાર્ડના આધારે વેક્સિનેશન આપવાની શરૂઆત કરાઇ હતી. જેમાં એક વેક્સિનેટર, એક વેરિફાયર તેમજ એક RBSKના ડોક્ટરની ટીમ દ્વારા છાત્રોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં હતાં.

દરેક વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગના સંપર્ક નંબર અપાયા
વેક્સિન લીધા બાદ અલાયદા રૂમમાં તેમને એક કલાક સુધી બેસાડી તેઓને કોઇ આડઅસર થાય છે કે કેમ તેનું નિરીક્ષણ કરાયું હતું. જોકે, એક પણ છાત્રને આડઅસરની સમસ્યા થઇ ન હતી. ઘરે ગયાં બાદ પણ બાળકોને કોઇ અસર થાય તો તેઓ તુરંત આરોગ્ય વિભાગનો સંપર્ક કરી શકે તે માટે બાળકોને સંપર્ક નંબર પણ અપાયાં હતાં. જેથી કે, તેમને તુરંત સારવાર આપી શકાય.

શાળાએ ન જતાં 1217 બાળકોને પણ આવરી લેવાયા
આરોગ્ય વિભાગ અને વહિવટી તંત્ર દ્વારા 15થી 18 વર્ષની વયજૂથનું જિલ્લાનું એકપણ બાળક વેક્સિનેશનની બાકાત ન રહે તે માટેના પ્રયાસ હાથ ધરાયાં છે. જેના ભાગરૂપે RBSK (રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ)ની ટીમોએ ઇંટોના ભઠ્ઠા, અગારિયા, શેરડી કટીંગ કરવા આવતાં પરિવારના બાળકોને શોધી તે પૈકીના 1217 બાળકોને વેક્સિન લગાવવામાં આવી હતી.

હિતાક્ષી પાઠક, રાજપીપળા
​​​​​​​
કરોના વેક્સિન સુરક્ષિત અને સલામતી વળી છે,ગભરાવાની જરૂર નથી મને પણ ડર લાગ્યો પણ વેક્સિન લીધા પછી કશુ થયું નથી. મને જે ડર હતો તે હવે જતો રહ્યો. મારું માનવું છે કે ડરી ડરીને જીવવા કરતા રસીનો ડોઝ લીધો હોય તો પણ પ્રિકોશન જરૂરી છે.

મન પટેલ, અંકલેશ્વર
​​​​​​​
સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વેક્સીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે આવકાર દાયક છે. અમે તો વેક્સીન લીધી છે તમે પણ વેક્સીન લો અને કોરોના મહામારી વચ્ચે વેક્સીન રૂપી સુરક્ષા કવચ મેળવો તેવી અપીલ છે.

વિશ્વા વસાવા, નેત્રંગ
ક્લાસમાં વેક્સિન લીધાં બાદ ત્રણ- ચાર છોકરીઓને ગભરામણ, ચક્કર આવતા અમે ગભરાઈ ગયા હતા. અને વેક્સિન પેહલા થોડો ડર હતો પણ રસી લિધા બાદ મને કશું થયુ નથી. વેક્સિન માટે મેન્ટલી પ્રીપેડ થઈએ તો કશું જ થાય એવું લાગતું નથી.

સાક્ષી મિસ્ત્રી, અંકલેશ્વર
કોરોના સામે રક્ષણ આપવા સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વેક્સીન આપવાનો નિર્ણય આવકાર દાયક છે. આનાથી અમે પણ હવે નિર્ભયતા પૂર્વક ભણી શકીશુ. તમામ વિદ્યાર્થીઓ વેક્સીન લઇ લે તો ઓફલાઈન અભ્યાસ પણ ન અટકે.

અનિકેત વસાવા, નેત્રંગ
વેક્સિન લિધા બાદ મને કશું થયુ નથી. શાળા તરફથી ઘરે જાણ કરાઇ હતી. જેથી વેક્સિન લેવાં માટે મારા ઘરે થી બાહેધરી આપી દીધી હતી. શાળાના વિધાર્થીઓ દુરથી અપડાઉન કરતા હોય છે ત્યારે રસ્તે અણબનાવ ન થાય એની થોડી બીક રહેલી છે.

નર્મદાના 27,632 બાળકોને આવરી આવરી લેવાશે
​​​​​​​નર્મદા સમગ્ર જિલ્લામાં 15 થી 18 વર્ષના બાળકોને કોરોના વિરોધી વેક્સીન આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જિલ્લાના 27,632 જેટલા બાળકોને આવરી લેવાના આ મહાઅભિયાનમાં જિલ્લાની બધી શાળાઓમાં તાલુકા મથકે અને ગામડાઓમાં કેમ્પ શરૂ કરીને રસી આપવામાં આવી રહી છે.

7મી સુધીમાં જિલ્લાના તમામ બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવાશે, ત્યારબાદ 8 અને 9મી જાન્યુઆરીના રોજ બાકી રહેલા બાળકોની ખાસ ઝુંબેશ કરીને આ બાળકોની રસીકરણની કામગીરી પણ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે. વાલીઓ બાળકોની સુરક્ષા માટે રસી મુકાવે એકદમ સુરક્ષિત છે. પી.ડી.પલસાણા,જિલ્લા વિકાસ અધિકારી, નર્મદા.

અન્ય સમાચારો પણ છે...