ભાસ્કર વિશેષ:નર્મદા બંધમાં 680 કરોડ લિટર કોન્ક્રીટનો ઉપયોગ ,જેનાથી પૃથ્વીની ફરતે 1 મીટર પહોળો, 17 સેમી જાડો રસ્તો બની શકે

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરોવર નર્મદા ડેમની આ માહિતી નિગમના એમ.ડી.એ સોશિયલ મીડિયામાં શેર કરી

ગુજરાતની જીવાદોરી તથા ઈજનેરી કૌશલ્યનો અદભૂત નમૂનો ગણાતા 163 મીટરની ઊંચાઈ અને 1.2 કિમીની લંબાઈ ધરાવતા નર્મદા ડેમના નિર્માણ કાર્યમાં કુલ 6.8 મિલિયન ક્યુબીક મીટર કોંન્ક્રીટનો ઉપયોગ થયો છે. નર્મદા ડેમના આ રહસ્ય અંગે સરદાર સરોવર નર્મદા નિગમના MD ડો. રાજીવ ગુપ્તાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી આ માહિતી આપી છે.

6.8 MCM કોંન્ક્રીટથી વિષુવવૃત રેખા એટલે કે પૃથ્વી ફરતે 40075.16 KM માં આટલા મટિરિયલ થકી ફૂટપાથ બનાવી શકાય છે. ડેમના નિર્માણમાં વપરાયેલા કોન્ક્રીટના અધધ જથ્થાથી પૃથ્વીની ફરતે 1 મીટર પહોળો અને 17 સેમી જાડો કુલ 40075 કિમી લાંબો કોંન્ક્રીટનો ફૂટપાથ બનાવી શકાય છે.

જળ-વિદ્યુત મથક દ્વારા રોજ 1.40 કરોડ યુનિટ વીજ ઉત્પાદન
હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને લીધે સરેરાશ 42 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ કાર્યરત કરી દરરોજ સરેરાશ 2.8 કરોડની કિંમતની 1.40 કરોડ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે.

ડેમના 30માંથી 23 ગેટનું સર્વિસિંગ કામ પૂર્ણ
સરદાર સરોવર બંધના 30 ગેટનું કાર્ડિયલ કમ્પોઉન્ડ ગ્રીસ જેવા લિકવીડ દ્વારા સર્વિસિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં 23 ગેટનું સર્વિસિંગ પૂર્ણ થઈ ગયું છે. માત્ર 7 ગેટ બાકી છે. જે વહેલી તકે પૂર્ણ થઈ જશે.

ચોમાસામાં સર્વોચ્ચ સપાટી સ્પર્શવા આયોજન
હાલ ડેમમાં જળસ્તર 123 મીટર સુધી છે. રાજ્યમાં ઉનાળુ પાક માટે 30 જૂન સુધી પાણી આપવા સાથે ડેમના અન્ય જળાશયો ભરી શક્ય એટલું મહત્તમ વીજ ઉત્પાદન કરાઈ રહ્યું છે. ચોમાસામાં ડેમમાં નવા નીર ભરી ફરી સર્વોચ્ચ સપાટી 138.68 મીટર સુધી સ્પર્શવાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...