સમસ્યા:ભરૂચ નગરપાલિકાના લાઇટ વિભાગમાં અરજદારોનો હોબાળો

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રીટલાઇટોની ફરિયાદોનું સમયસર નિવારણ થતું ન હોવાની રાવ

ભરૂચ નગરપાલિકાના લાઇટ વિભાગના વહીવટ સામે આખા શહેરમાંથી બુમો ઉઠી રહી છે. EESL કંપનીએ પાલિકા સાથેનો કોન્ટ્રાકટ રદ કરી દીધાં બાદ શહેરમાં લાઇટોના ધાંધિયા જોવા મળી રહયાં છે. કેટલાક વિસ્તારોમાં રાત્રે પણ સ્ટ્રીટલાઇટ બંધ રહે છે જયારે કેટલાકમાં દિવસે પણ સ્ટ્રીટલાઇટ ઝગારા મારતી હોય છે. સોમવારે પાલિકા કચેરી ખુલતાની સાથે લાઇટ વિભાગમાં ફરિયાદીઓની ભીડ જામી હતી. ભરૂચ શહેરમાં છેલ્લા છ મહિનાથી લાઇટ વિભાગનો વહીવટ ખાડે ગયો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સ્ટ્રીટલાઇટ તથા તેના મેઇટેનન્સનો કોન્ટ્રાકટ ધરાવતી કંપની સાથે નાણાકીય મુદ્દે વિખવાદ થયા બાદ કંપનીએ કામગીરી બંધ કરી દીધી છે.

આ કામગીરી હવે પાલિકાના માથે આવી ગઇ છે પણ પાલિકા પાસે પુરતો સ્ટાફ અને સાધનો નહિ હોવાથી કેટલાક વિસ્તારોમાં રાત્રે પણ સ્ટ્રીટલાઇટ બંધ રહે છે જયારે કેટલાકમાં દિવસે પણ સ્ટ્રીટલાઇટ ઝગારા મારતી હોય છે.મોટાભાગના વિસ્તારોમાં બંધ સ્ટ્રીટ લાઇટો અંગેની ફરિયાદ પાલિકા કચેરીમાં કરવામાં આવે છે પણ ફરિયાદનું નિવારણ આવતું ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. સોમવારે પાલિકા કચેરી ખાતે લાઇટ વિભાગમાં લોકોએ ફરિયાદનો મારો ચલાવ્યો હતો. સુરેશ વસાવા નામના અરજદારે જણાવ્યું હતું કે, સ્ટ્રીટલાઇટો અંગે વારંવાર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. લાઇટ વિભાગનો વહીવટ જ અંધારમય ચાલી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...