ભરૂચ શહેર અને જિલ્લામાં પણ હોળી પર્વે બપોરના સુમારે જોરદાર પવનોની આંધી ફૂંકાતા વાતાવરણ ઘનઘોર બનવા સાથે અફરાતફરી મચી હતી.
ફાગણમાં હોળી પર્વે સોમવારે બપોરે જામેલા અષાઢી માહોલે ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 20 કિમીની ઝડપે ફૂંકાતા ધૂળિયા વાવાઝોડાએ લોકોમાં ભય ફેલાવ્યો હતો.એકાએક ધૂળની ડમરીઓ સાથે સુસવાટા મારતા પવનોએ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ છિન્નભિન્ન કરી દીધો હતો. હોર્ડિંગ્સ, હોળી-ધુળેટીના મંડપો ઉડવા, બેનરો તેમજ કેબલો સાથે વૃક્ષો ધરાશયી બનવાના બનાવો પણ બન્યા હતા.વાહનોને નુકશાન સાથે કેટલાક માર્ગ પણ વૃક્ષો પડતા બાધિત થયા હતા.
જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક જિલ્લા સાથે તમામ 9 તાલુકાના કંટ્રોલ રૂમ શરૂ કરાવી દઈ મામલતદારોને પણ એલર્ટ કરી દીધા હતા. જિલ્લાની 4 પાલિકાઓ દ્વારા પણ વૃક્ષો પડવા સહિતનો તાગ મેળવવા કવાયત હાથ ધરાઈ હતી.વાવાઝોડાને લઈ સૌથી વધુ નુકશાન કેરીના પાકને થયું હોવાનું કૃષિ યુનિવર્સીટીએ કહ્યું હતું. જ્યારે તુવેરના ઉભા પાકને પણ નુક્શાનીની ભીતિ સેવાઈ રહી છે. સૌથી વધુ સોસાયટી, કોમન પ્લોટ અને ગામના આયોજકો હોળી પ્રગટાવવાને લઈ ચિંતામાં મુકાઈ ગયા હતા. તાબડતોબ હોળીને કમોસમી વરસાદથી બચાવવા તાડપત્રીનું રક્ષણ અપાયું હતું. વીજ કંપની દ્વારા પણ ભરૂચમાં વાવાઝોડાને લઈ નુકશાની અને બંધ થયેલ વીજ પુરવઠા અંગે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે 20 થી 25 મિનિટ સુધી મીની વાવાઝોડાની અસર રહ્યા બાદ પવનો શાંત પડતા લોકોએ રાહતનો દમ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.