ભરૂચ એલસીબીના બે સસ્પેન્ડેડ કોન્સટેબલ અશોક સોલંકી અને મયુર ખુમાણને બુટલેગરો નયન ઉર્ફે બોબડો તથા ચકો ઉર્ફે પરેશ દર મહિને 20 હજાર રૂપિયાનો હપ્તો આપતાં હોવાની વિગતો સપાટી પર આવી છે. હાલ આ બંને કોન્સટેબલો સામે તપાસ ચાલી રહી છે અને બાદમાં તેમની સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાશે.
રેઇડો નિષ્ફળ જતાં સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમીદારો પર શંકા જવા લાગી
સ્ટેટ મોનિટરિંગ સેલ ( એસએમસી)ના વડા તરીકે નિર્લિપ્ત રાયની વરણી થતાં ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો. સ્ટેટ મોનિટરિંગની ટીમ રાજયભરમાં દરોડાઓ પાડી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડતી હતી પણ મધ્ય ગુજરાતમાં તેમના દરોડાઓ નિષ્ફળ રહેતાં હતાં. બુટલેગરોને દરોડાની ગંધ આવી જતી હોય તેમ તેમની પાસેથી દારૂ ઝડપાતો ન હતો. મધ્ય ગુજરાતમાં 15 જેટલી રેઇડો નિષ્ફળ જતાં સ્ટેટ મોનિટરિંગ સેલને એક તબકકે બાતમીદારો પર શંકા જવા લાગી હતી.
15 અધિકારીઓના 600 વખત લોકેશન ટ્રેસ કર્યા
નિર્લિપ્ત રાય તથા તેમની ટીમે રેઇડ કરનારી ટીમના મોબાઇલ બંધ કરાવી રેઇડ પડાવતાં દારૂ ઝડપાવા લાગ્યો હતો. આથી તેમને મોબાઇલ ફોનના લોકેશન ટ્રેસ થતાં હોવાનો શક ગયો હતો. અમદાવાદથી મોબાઇલ કંપનીઓ પાસેથી વિગતો મંગાવતાં ભરૂચ એલસીબીની સર્વેલન્સ ટીમે સ્ટેટ મોનિટરિંગ સેલના 15 અધિકારીઓના 600 વખત લોકેશન ટ્રેસ કર્યા હોવાની વિગતો બહાર આવી હતી.
દર મહિને 20 હજાર રૂપિયાનો હપ્તો ચુકવતાં હોવાની વિગતો બહાર આવી
ભરૂચ એલસીબીના અશોક સોલંકી અને મયુર ખુમાણ કુખ્યાત બુટલેગરો નયન ઉર્ફે બોબડો અને ચકો ઉર્ફે પરેશને સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના લોકેશન આપી દેતાં હતાં જેથી જેવી એસએમસીની ટીમ મધ્ય ગુજરાતમાં પ્રવેશે કે તરત જ બુટલેગરોને જાણ થઇ જતી અને તેઓ તેમની દારૂ ભરેલી ટ્રકોને રસ્તામાં જ રોકી દેતાં હતાં. અશોક સોલંકી અને મયુર ખુમાણને બોબડો અને ચકો દર મહિને 20 હજાર રૂપિયાનો હપ્તો ચુકવતાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. હાલ તો બંને કોનસ્ટેબલો સામેની તપાસ ઝડપી બનાવી દેવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.