કવાયત:બાથરૂમની બારીમાંથી બે લુંટારુ ઘૂસ્યા,મહિલાને ફટકારી ચપ્પુની અણીએ રૂા.10.40 લાખની લૂંટ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભોલાવના ઘરમાં ધોળા દિવસે માસ્ક-ગ્લોવ્ઝ પહેરેલા બુકાનીધારીઓનો આંતક
  • રોકડા રૂા.30 હજાર અને સોના-ચાંદીના દાગીના લઇ લુંટારુઓ ફરાર

ભોલાવ વિસ્તારની આકાશગંગા સોસાયટીમાં મહિલાને બે બુકાનીધારીઓએ ધોળા દિવસે ચપ્પુની અણીએ માર મારી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડાં 30 હજાર મળી કુલ 10.40 લાખની લૂંટ ચલાવી પલાયન થઇ ગયાં હતાં. ભોલાવની આકાશગંગા સોસાયટીમાં રહેતાં હસમુખ ગઢિયાની પુત્રીના અવની તેની દોઢ વર્ષની પુત્રી સાથે 15મી ઓગષ્ટથી પિયરે આવી હતી.શનિવારે બપોરે તેના પિતા અને ભાઇ ધંધા પર ગયાં હતાં. ત્યારે તે તેના પિતાના બેડરૂમના બાથરૂમમાં ન્હાવા ગઇ હતી.જ્યારે તેની માતા અને પુત્રી ઓસરીમાં અને ભાભી રસોડામાં હતાં.

તેઓ બાથરૂમમાં ગયાં તે વેળાં બાથરૂમની સ્લાઇડિંગવાળી બારી ખુલ્લી હોઇ તેમાંથી બે બુકાનીધારી અંદર ઘૂસ્યા હતાં. તેઓની માત્ર આંખો જ દેખાય માસ્ક પહેર્યું હતું. તે પૈકીના એક શખ્સે ચપ્પુ બતાવ્યું હતંુ. જ્યારે અન્ય યુવાને બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદ તેમણે પેટીપલંગ ખોલવાનો પ્રયાસ કરતાં અવનીએ બુમરાણ મચાવી હતી.જોકે દરવાજો બંધ હોઇ કોઇને સંભળાયું ન હતું.બીજી તરફ બુકાનીધારીઓએ તેને ચપ્પુના ઘા કરી તેનું માથુ કબાટમાં અથાડી પેટમાં લાતો મારી હતી.બંને લૂંટારુઓએ સોના-ચાંદીના દાગીનાતેમજ રોકડા રૂા 30 હજાર મળી કુલ 10.40 લાખની લૂંટ ચલાવી નાસી છુટ્યાં હતાં.

ઇજાગ્રસ્ત અવનીએ દરવાજો ખોલી બુમ પાડતાં તેની ભાભી અને માતા દોડી આવતાં તેમને ઘટનાથી વાકેફ કર્યા હતા.તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ભરૂચ સી ડિવિઝન પોલીસે તુરંત દોડી આવી તસ્કરોના પગેરૂં મેળવવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...