અકસ્માત:અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં એક મહિલા સહિત બે લોકોના કમકમાટી ભર્યા મોત, ત્રણ વ્યક્તિઓને ઇજા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • ટેમ્પો ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત, બાઈક ચાલકના મિત્રનું મોત
  • સાઈકલ સવાર મહિલાને ટેન્કરે અડફેટે લેતા અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે મોત
  • એસ.ટી.બસના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, બેઉ ઈજાગ્રસ્ત

ભરૂચના અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક મહિલા સહિત બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં, જ્યારે બે વ્યક્તિઓને ઇજા થઈ હતી. અકસ્માતના એક બનાવમાં અંકલેશ્વરના બોરિદ્રા ગામના વસાવા ફળિયામાં રહેતો પ્રદીપ અરવિંદ વસાવા પોતાની બાઇક નંબર - જી.જે.16.સી.એલ.6959 પર પોતાના મિત્ર કેતન રાજેશ વસાવાને લઈ નોકરી પર જઈ રહ્યો હતો. તે દરમિયાન ગડખોલ બ્રિજ ઉતરતા ઓએનજીસી ગેટ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલા આઈશર ટેમ્પો નંબર - જી.જે.19.એક્ષ 4998ના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કેતન વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. જ્યારે પ્રદીપ વસાવાને ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બનાવમાં મૂળ નર્મદાના અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત રચનાનગર ખાતે રહેતાં 40 વર્ષીય ઊર્મિલાબેન જસવંતભાઈ વસાવા છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગઈકાલે સાંજે પોતાની સાઇકલ પર સવાર થઈ ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન જીવન ચોકડી નજીક પુરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર - જી.જે.16.એ.વી.5678ના ચાલકે સાઇકલ સવાર મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં મહિલા માર્ગ પર પટકાતા તેના માથા પરથી ટેન્કરના તોતિંગ ટાયરો ફરી વળતા તેણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર આવેલી આરએમપીએસ સ્કૂલ પાસેથી પસાર થતાં સંજય દિલીપભાઈ રાણા મિત્ર અનિલ હરિશંકર શ્રીગોડની બાઈકને પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ એસ.ટી.બસના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...