વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપને ગઈકાલે રવિવારે રાત્રિના રોજ લૂંટારાઓએ નિશાન બનાવ્યો હતો તેમજ બંદૂકની અણીએ લૂંટ ચલાવી ફરાર થયા હતા. લૂંટની સમગ્ર ઘટના પેટ્રોલ પંપના લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.
વેલકમ ફ્યુઅલ પેટ્રોલ પંપ પર બની ઘટના
ઘટનાસ્થળની પ્રાપ્ત માહિતી અનુસાર, વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતે વેલકમ ફ્યુઅલ્સ નામનો પેટ્રોલ પંપ આવેલો છે, જ્યાં ગઇકાલે રવિવારે રાત્રિના રોજ ફરજ પરનો કર્મચારી ઓફિસમાં સૂતો હતો. એ દરમિયાન મોટરસાઇકલ પર આવેલા બે બુકાનીધારી અજાણ્યા ઇસમે ઓફિસમાં ધસી આવી રિવોલ્વર બતાવી તેને બાનમાં લઇ ઓફિસમાં લૂંટ ચલાવી હતી.
કર્મચારીને માથામાં રિવોલ્વર મારી લૂંટ આચરી
આ સમગ્ર લૂંટની ઘટના પેટ્રોલ પંપની ઓફિસમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી, જેમાં નજરે પડે છે કે બે ઈસમ ઓફિસમાં પ્રવેશે છે અને કર્મચારીને માથામાં રિવોલ્વોરનો પાછળનો ભાગ મારી ઈજા પહોંચાડે છે અને ત્યાર બાદ ઓફિસમાં ખાંખાખોળા કરી લૂંટ ચલાવે છે અને ફરાર થઇ જાય છે. નોંધનીય છે કે બનાવ અંગે પેટ્રોલ પંપના સંચાલકે રાત્રિ કર્મચારીની ફરિયાદના આધારે વાગરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી લૂંટારાઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
પેટ્રોલપંપના મેનેજર આગલા દિવસે બપોરે જ રૂપિયા લઇને ગયાં હતાં
વડોદરાના રવિભાઇ રાઠોડ વેલકમ પેટ્રોલપંપના માલિક છે. જ્યારે તેમના મેનેજર તરીકે એઝાઝ યાકુબ ઉઘરાદાર કામ કરતાં હતાં. ગઇકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં મેનેજર એઝાઝ ઉઘરાદારે પેટ્રોલપંપના વકરાના રૂપિયા લઇને જમા કરવા માટે જતાં રહ્યાં હતાં. જેથી મોટી રકમ ન હોઇ લૂંટારૂઓના હાથમાં માત્ર 31 હજાર જ આવ્યાં હતાં.
સીસીટીવી ફૂટેજથી લૂંટારુઓને શોધવાનો પ્રયાસ ચાલુ છે
પેટ્રોલપંપ પર થયેલી લૂંટની ઘટના અંગે રાત્રે જ જાણ થતાં જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. સાથે એલસીબી, એસઓજી સહિતની ટીમોને સતર્ક કરવામાં આવી હતી. ઉપરાંત આસપાસના વિસ્તારોમાં અલગ અગલ ટીમો બનાવી તેમને રવાના કરી હતી. માર્ગો પર લગાવેલાં અન્ય સીસીટીવીના ફૂટેજ મેળવી તેના આધારે લૂંટારૂઓના પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરાઇ છે. - વી. એ. રાણા, PSI,વાગરા.
પેટ્રોલ પંપનો સિક્યુરિટી છેલ્લા બે દિવસથી ફરજ પર આવતો જ નહોતો
કલક ગામનો કનકસિંહ 7 હજારના માસિક પગારે ફિલર તરીકે છેલ્લાં 15 દિવસ નોકરી કરતો હતો. જ્યારે તેના ગામનો જ વિજય શાંતીલાલ પટેલ નાઇટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરીએ આવતો હતો. જોકે, છેલ્લાં બે દિવસથી તે રજા પર હોઇ નોકરીએ આવતો ન હોઇ કનકસિંહ એકલો જ પેટ્રોલપંપ પર ફરજ બજાવતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.