મેઘરાજાની નાઇટ શિફ્ટ:હાંસોટ અને વાલિયામાં બે ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે અત્યાર સુધીમાં મોસમનો 75 ટકા વરસાદ વરસ્યો
  • આમોદ-ભરૂચ તાલુકામાં જ 70 ટકાથી ઓછો વરસાદ નોંધાયો

ભરૂચ શહેર જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મનમુકીને વરસી રહ્યો છે. જેના પગલે અત્યાર સુધીમાં મોસમનો 75 ટકા વરસાદ નોંધાઇ ગયો છે. બીજી તરફ મોસમનો મિજાજ પણ વિચિત્ર બન્યો છે જિલ્લામાં દિવસ દરમિયાન માત્ર સામાન્ય ઝરમરિયો વરસાદ નોંધાઇ રહ્યો છે. જ્યારે રાત્રીના સમયે જોરદાર ઝાપટું પડી જાય છે. જેના પગલે એક તબક્કે જાણે મેઘરાજાની નાઇટ શિફ્ટ ચાલતી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં હાંસોટ અને વાલિયામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની મોસમ જામી ગઇ છે. ત્યારે છેલ્લાં 15 દિવસ ઉપરાંતથી એકંદરે વાદળછાયું વાતાવરણ રહ્યું છે. તેમાંય છેલ્લાં ચારેક દિવસથી ભરૂચ શહેરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં દિવસના સમયે એકાદ જોરદાર ઝાપટા સિવાય સામાન્ય ઝરમરિયો વરસાદ જ વરસી રહ્યો છે. જોકે, રાત્રીના સમયે સારો વરસાદ નોંધાય છે. ભરૂચ જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વાલિયામાં 51 મિમી, હાંસોટમાં 46 મિમી વરસાદ નોંધાયો છે.

ઉપરાંત સૌથી ઓછો વરસાદ જંબુસરમાં 5 મિમી અને ઝઘડિયામાં 8 મિમી વરસાદ જ વરસ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં મોસમનો 75.02 ટકા વરસાદ થઇ ગયો છે. જેમાં સૌથી વધુ નેત્રંગમા 85.75 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો આમોદ તાલુકામાં 61.32 ટકા અને ભરૂચ તાલુકામાં 62.85 ટકા વરસાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...