વાગરા તાલુકામાં આવેલી વિલાયત ચોકડી પાસેથી એસઓજીની ટીમે મુળ બિહારના અને હાલ વડોદરાના વાઘોડિયા ખાતે રહેતાં બે શખ્સોને પિસ્તોલ અને 4 જીવતાં કારતૂસ સાથે ઝડપી પાડ્યાં હતાં. ભરૂચ એસઓજીના હેડ કોન્સ્ટેબલ હરેશ રામકૃષ્ણને ચોક્કસ બાતમી મળી હતી કે, બે શખ્સો પિસ્તોલ-જીવતાં કારતૂસ લઇને વિલાયત ચોકડી ખાતે આવવાના છે. તેઓ પૈકી એક શખ્સે બ્લુ કલરનું જીન્સ પેન્ટ તેમજ ખાખી-વાદળી ફુલભાતવાળો શર્ટ અને બીજાએ મહેંદી કલરનું જીન્સનું પેન્ટ અને નાની ફુલભાતની ડિઝાઇનવાળો સફેદ કલરનો શર્ટ પહેર્યો છે.
જેના પગલે તેમણે એસઓજી પીઆઇ કે. ડી. મંડોરાને જાણ કરતાં એસઓજીની ટીમે તુરંત વિલાયત ચોકડીએ પહોંચી જઇ તપાસ કરતાં બાતમી મુજબના બે શખ્સો મળી આવતાં તેમનું નામઠામ પુછતાં એકનું નામ મન્ટુકુમાર સિપાહી રાય ( મુળ રહે. જખુઆ જી.છપરા, બિહાર) તેમજ બીજાનું નામ કમલરાય બાલચંદરાય ( મુળ રહે. કટરાનેવાજી ટોલા જી. છપરા, બિહાર) હોવાનું તેમજ તેઓ હાલમાં વડોદરાના વાઘોડિયા જીઅઇડીસી નવાપુરા તળાવ પાસે રહેતાં હોવાની કબુલાત કરી હતી.
ટીમે તેમની તલાશી લેતાં મન્ટુકુમારના હાથમાંથી થેલીમં કપડામાં વિંટાળેલી પિસ્તલ મળી આવી હતી. તેમજ કમલ બાલચંદના પેન્ટના ખિસ્સામાંથી 4 જીવતા કારતૂસ મળી આવ્યાં હતાં. પ્રાથમિક પુછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓએ બિહારના રેવીગંજ કિનારા પાસેથી એક શખ્સ પાસેથી 25 હજારમાં ખરીદીને લાવ્યો હતો. જોકે, તેણે પિસ્તલ કોના માટે કે કયાં કારણોસર લાવ્યો તે અંગે કોઇ ચોક્કસ વિગતો આપી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.