લૂંટનો ભેદ ઉકેલાયો:ભરૂચ જિલ્લામાં બે પેટ્રોલ પંપ ઉપર થયેલી લૂંટના બે આરોપીઓ ઝડપાયા, એક ફરાર

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અવાવરું સ્થળે આવેલા પેટ્રોલ પંપને નિશાન બનાવી ભેજાબાજો લૂંટ ચલાવતા હતા
  • ભરૂચ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો

ભરૂચ જિલ્લામાં બે દિવસમાં બે પેટ્રોલ પંપને નિશાન બનાવી લૂંટની બે ઘટનાને અંજામ આપનારા મૂળ પંજાબના બે આરોપીઓને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા છે. આ લૂંટારુંઓએ બાઈકની ચોરી કરી બંને લૂંટ ચલાવી હતી.

ભરૂચ જિલ્લામાં બે દિવસમાં બે પેટ્રોલ પંપ ઉપર લૂંટની ઘટના બની હતી. વાગરા તાલુકાના ચાંચવે અને ત્યારબાદ નબીપુર-હિન્ગલ્લા વચ્ચેના પેટ્રોલ પંપ ઉપર લૂંટારાઓએ ત્રાટકી પિસ્તોલની અણીએ લૂંટ ચલાવી હતી. બે દિવસમાં સતત બે લૂંટની ઘટનાના પગલે જિલ્લાના પેટ્રોલ પંપ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જો કે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે આ લૂંટનો ભેદ ઉકેલવા માટે સુચના આપી હતી. જેના પગલે ભરૂચ એલ.સી.બી, એસ.ઓ.જી અને લોકલ પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી.

સીસીટીવી ફૂટેજ, હોટલ ચેકિંગ, અને અંગત બાતમીદારોને સક્રિય કરી માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે સીસીટીવીમાં દેખાતા બે ઇસમો જેવા ઇસમો નબીપુર ગુરુદ્વારા નજીક જોવા મળ્યા છે. જેને ધ્યાને રાખી વોચ ગોઠવતાં બે શકમંદ મળી આવ્યા હતા. જેમની સઘન પૂછપરછ કરતાં તેણણે આ બંને લૂંટને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. ઝડપાયેલા બે ઇસમો રવિન્દર સિંઘ ઉર્ફે બાજવા અને અમિતકુમાર હંસરાજ મૂળ પંજાબના રહેવાસી છે. તેમનો અન્ય એક સાગરિત સોનું હાલ ફરાર છે.

આ ત્રણેય ઇસમોએ ભરૂચ ખાતેથી બાઈકની ચોરી કરી રેકી કરી હતી. આ ત્રણ પૈકી રવિન્દર અગાઉ ભરૂચ ખાતે ડ્રાઈવર તરકે કામ કરતો હોઈ તેને તમામ રસ્તાઓનો ખ્યાલ હતો. તેમણે પહેલા દિવસે વાગરાના ચાંચવેલ ખાતે લૂંટ ચલાવી ચોરીની બાઈક જંબુસર બાયપાસ ઉપર બ્રીજ નીચે મૂકી ત્યાંથી ગુરુદ્વારા ચાલ્યા ગયા હતા. ઉપરાંત બીજા દિવસે સોના સાથે નબીપુરના પંપ પર લૂંટ ચલાવી હતી. જ્યાં હવામાં ૩ રાઉન્ડ ફાયરીંગ પણ કર્યું હતું અને ત્યારબાદ આ ચોરીની બાઈક ઝાડી ઝાંખરામાં મૂકી ત્યાંથી ગુરુદ્વારા ચાલ્યા ગયા હતા. પોલીસે હાલ બે ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. 50 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ફરાર સોનુની શોધખોળ આરંભી છે.

ટેક્નિકલ સર્વેલન્સ હ્યુમન અને ઇન્ટેલિજન્સની મદદ લેવાઇ હતી
ઉપરાછાપરી બે વાર પેટ્રોલપંપ લૂંટવાનો પ્રયાસ કરનાર ટોકળીને પકડવા એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસની ટીમો બનાવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ,હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી ફૂટેજની મદદથી લૂંટારૂ ટોળકીના બે સાગરિતોના પગેરૂ મળતાં બન્નેને ઝડપી પાડ્યાં છે. તેમના અન્ય એક સાગરિત સોનુ પણ જલદી હિરાસતમાં હશે. - ડો. લીના પાટીલ, એસપી, ભરૂચ.

મોટી લૂંટનો ઇરાદો બનાવીને જ બન્ને ભરૂચમાં આવ્યાં હતાં
ભરૂચથી વાકેફ એવા રવિન્દરસિંગ તેમજ તેનો મિત્ર અમિતકુમાર ઉર્ફ વિકીએ પહેલેથી જ લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું અનુમાન છે. લૂંટ માટે જ તેઓ પંજાબથી જ પિસ્ટલ તેમજ 10 જીવતા કારતુસ લઇને ટ્રેન મારફતે ભરૂચ આવ્યાં હતાં. - કે. ડી. મંડોરા, પીઆઇ. એલસીબી.

વિસ્તારથી ટ્રક ડ્રાઇવરનું કામ કરનાર સાગરિત પરિચીત હતો
ઝડપાયેલાં બન્ને આરોપીઓ રવિન્દરસિગ ઉર્ફે બાજવા બલબીરસિંગ તેમજ અમિતકુમાર ઉર્ફે વિકી નિર્મલકુમાર હંસરાજ પૈકીનો રવિન્દરસિંગ અગાઉ ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતો હોઇતે ભરૂચની ભૌગોલિક સ્થિતી તેમજ રોડ-રસ્તાથી વાકેફ હતો. જેથી તેણે ગામડાઓમાં સુમસામ વિસ્તારમાં આવેલાં પેટ્રોલપંપોને ટાર્ગેટ કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...