કોરોના કાળમાં ડિજિટલ શિક્ષણનું મહત્વ સમજાયું છે. ગ્રામ્ય વિસ્તારના બાળકો તેનાથી વંચિત ન રહી જાય એ માટે જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશને ઇ-મુસ્કાન પ્રોજેકટ શરૂ કર્યો છે. આ ઇ-લર્નીગ પ્રોજેકટ અંતર્ગત ભરૂચ શહેરની 4 સરકારી શાળાઓમાં એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી ભેટમાં અપાયું છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ભરૂચ શહેરની નંદેલાવ, ભોલાવ, દાંડિયા બજાર અને મકતમપુર પ્રાથમિક શાળામાં એન્ડ્રોઇડ ટીવી અપાયા છે.
ગામડાના બાળકો ડિજિટલ યુગ સાથે તાલમેલ બેસાડી શકે એ માટે જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા ઇ-મુસ્કાન પ્રોજેકટ શરૂ કરાયો છે. જેમાં ભરૂચ, વાગરા અને નેત્રંગ તાલુકાની સરકારી શાળાઓમાં 50 ઇંચના 35 એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી આપવાના લક્ષ્યાંક અંતર્ગત આ ટીવી અપાયા છે. જેમાં ધોરણ 1 થી 8ના વિધાર્થીઓ માટે પેનડ્રાઇવમાં જ ઓફલાઇન કન્ટેન્ટ આપી દેવાયું છે. તેમજ 8 થી 12ના વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી શકાશે. ચિત્રો અને એનિમેશન વીડિયો દ્વારા બાળકોને શિક્ષણ આપવાની આ પદ્ધતિ અસરકારક, ઉપયોગી અને મનોરંજનકારક બની રહી છે.
આ કાર્યક્રમમાં જુબીલન્ટ કંપનીના નિર્મલસિંહ યાદવ સહિત CSR પ્રોજેકટ સંભાળતા સૌરવ ચક્રવર્તી, હર્ષલા સંઘવી સહિત નંદેલાવ, ભોલાવ અને મકતમપુર ગામના સરપંચ,સભ્યો, ગ્રામજનો અને સરકારી શાળાનો શિક્ષકો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે દુષ્યંતભાઈ પટેલે જુબીલન્ટની શિક્ષણ અને આરોગ્યલક્ષી CSR પ્રોજેકટને બિરદાવી બીજી કંપનીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ભૌતિક સુવિધા ન આપી શકો તો કંઈ નહીં પરંતુ આવી શિક્ષણલક્ષી સુવિધા સાથે આવે જેથી બાળકો ડિજિટલ યુગમાં આગળ વધી શકે અને શિક્ષણ મેળવી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.