અકસ્માત:કડોદ રોડ પર ટ્રકની બાઇકને ટક્કર : એકનું મોત, બેને ઇજા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટ્રકને ઓવર ટેક કરવા જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામના ત્રણ મિત્રો બાઇક પર કડોદ રોડ પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં એક ટ્રકના ચાલકે તેમની બાઇકને ઓવરટેક કરવા જતી વેળાં બાઇક ટ્રકના વચ્ચેના ભાગે અડી જતાં સર્જાયેલાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઇજાઓ થઇ હતી. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામે આવેલાં દુબઇ ટેકરી વિસ્તારમાં રહેતાં વિજય દલસુખ વસાવાને તેના મિત્ર દિપકે ફોન કરી જણાવ્યું હતું કે, મારા માણસો ગામના પાદરે છે. તેમને નદી કિનારે ઝીંગાના ઝાપલા ખંખેરવા માટે મુકી આવ જેના પગલે તેણે ત્યાં પહોંચ્યો હતો. જ્યાં તેના ગામના સુરેશ ઉર્ફે જગો લવઘણ વસાવા તેમજ અનિલ શના વસાવા ત્યાં મળતાં તે તેમને બાઇક પર બેસાડી હોલી ડે હોમથી કડોદ ગામ તરફ જવાના પાછળના રસ્તાથી નદી કિનારે મુકવા જતો હતો.

તે વેળાં એક ટ્રક ચાલકે તેમની બાઇકને ઓવર ટેક કરવા જતી વેળાં ટ્રકનો વચ્ચેનો ભાગ બાઇકને અડી જતાં ત્રણેય પટકાયાં હતાં. જેમાં ટ્રકનું ટાયર સુરેશના માથા પરથી ફરી વળતાં તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બન્નેને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી અકસ્માત કરી નાસી છુટેલાં ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. નર્મદા નદીના કિનારે આવેલી રેતની લીઝમાંથી નીકળતી ટ્રકો બેફામ હંકારાતી હોવાથી અકસ્માતો વધી ગયાં છે.

અન્ય સમાચારો પણ છે...