કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતાં પ્રવાસીઓ ગ્રામ્ય સંસ્કૃતિ તેમજ રહેણીકરણીનો અનુભવ કરી શકે તે માટે સ્ટે હોમ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે અમલમાં મુકાયેલાં પ્રોજેકટમાં હવે અન્ય લોકોએ ઝંપલાવતાં સ્થાનિક આદિવાસી સમાજે વિરોધ કર્યો છે. નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના હજારો પ્રવાસીઓ આવી રહયાં છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખી કેવડીયા તેમજ આસપાસના વિસ્તારમાં હોટલ્સનો વ્યાપ ઝડપથી વધી રહયો છે.
કેવડીયા ખાતે આવતાં પ્રવાસીઓ ગ્રામ્ય સંસ્કૃતિ તેમજ રહેણીકરણીનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે માટે સ્ટે હોમ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો હતો. આ પ્રોજેકટ અંતર્ગત કેવડીયા તેમજ આસપાસ આવેલાં 9 જેટલા ગામડાઓમાં લોકો પોતાના ઘરના રૂમ અથવા ઘરની આજુબાજુ રૂમ બનાવી તેને પ્રવાસીઓને ભાડે આપી શકે છે. આ પ્રોજેકટનો ઉદ્દેશ સ્થાનિક આદિવાસી સમાજને રોજગારી આપવા માટેનો છે. હવે આ પ્રોજેકટમાં કોઇ પણ વ્યકતિ સહભાગી થઇ શકે છે.
કેવડીયામાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી હોવાથી હવે નવી બની રહેલી સોસાયટીઓમાં મકાનો ભાડે રાખી તેને હોટલોવાળાને આપી દેવાની પ્રવૃતિ ફુલફાલી છે. કેવડીયા, ગરૂડેશ્વરની અનેક સોસાયટીઓમાં ધમધમી રહેલાં ખાનગી સ્ટે હોમ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. આવા સ્ટે હોમ બંધ કરાવવા માટે SOUના સીઇઓને રજુઆત કરવામાં આવી છે.
નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સાથે સંલગ્ન પ્રશ્ન છે
હોમ સ્ટેની પરવાનગી એસઓયુ ના કાર્યક્ષેત્રમાં આવતી નથી.હોમ સ્ટેની તમામ કામગીરી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તરફથી કરવામાં આવે છે તેથી કોઇ પણ ફરિયાદ હોય તો ફરીયાદી જિલ્લા કે તાલુકા પંચાયત કચેરીમાં કરી શકે છે. - રાહુલ પટેલ, પીઆરઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી
ખાનગી સોસાયટીઓમાં ચાલતા સ્ટે હોમ બંધ કરો
કેવડિયા તથા આસપાસના નવ ગામડાઓમાં વર્ષ 2019થી સ્ટે હોમ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છો. અમારા આદિવાસી સમાજના લોકોને રોજગારી મળે તે માટે સ્ટે હોમ પ્રોજેકટ ચાલી રહયો છે. અમને લોકોને સ્થાનિક એજન્સી તરફથી તાલીમ પણ આપવામાં આવી છે પણ હવે શિક્ષકો અને કર્મચારીઓએ સોસાયટીઓમાં મકાનો ખરીદી લીધાં છે. આ મકાનો તેઓ પ્રવાસીઓને ભાડે આપી ઉઘાડી લુંટ ચલાવી રહયાં છે. આ પ્રકારના સ્ટે હોમ બંધ કરવવા માટે અમે સત્તાધીશોને રજુઆત કરી છે. - નરેન્દ્ર તડવી, આગેવાન, કેવડીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.