ધરપકડ:ઝેરી કેમિકલ મોકલાવનાર ટ્રાન્સ્પોર્ટર, બે વચેટિયાને અંકલેશ્વરમાંથી દબોચ્યાં

ભરૂચ, અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરમાં ગેરેજ ચલાવતા 10 પાસ અને બેંકના ફાયનાન્સરે ટેન્કરમાં મોત ભરી સુરતમાં મોકલ્યું
  • સુરતમાં ટેન્કરમાંથી કેમિકલ નિકાલ બાદ 6નાં મોતમાં ભરૂચ કનેક્શન.
  • ​​​​​​​આશિષ ગુપ્તાએ કેમિકલ યુક્ત પ્રવાહી નિકાલ ​​​​​​​કરવા વિશાલ યાદવ અને જયપ્રતાપ તોમરને આપ્યું હતું

સુરતની સચીન GIDCમાં ઝેરી કેમિકલ બારોબાર ખાડીમાં નિકાલ કરવાની ઘટનામાં 6 શ્રમજીવીના તરફડીને નિપજેલાં મોત અને 23 કામદારોને ગેસની અસરમાં સદોષ મનુષ્યવધનો ગુનો પોલીસમાં નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણનું કનેક્શન ભરૂચમાં નીકળ્યું છે. ગુનાની તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે વડોદરા અને ભરૂચ પોલીસની મદદથી મોતનું કેમિકલ નિકાલ કરવા આપનાર રણોલીના ટ્રાન્સપોર્ટર, કેમિકલ ભરાવનાર અંકલેશ્વરના 2 આરોપીઓ, સચીનના ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરી છે.

સુરતની સચીન GIDCમાં ગુરુવારે વિશ્વાપ્રેમ મીલ પાસે આવેલા કુદરતી નાળા નજીક ટેન્કરમાંથી કેમિકલ માફિયાઓએ ગેરકાયદે ઝેરી પ્રવાહી નિકાલ કર્યું હતું. જેમાં ફ્યુમ્સ નામના ઝેરી ગેસની અસર થતાં 6 શ્રમજીવીના મોત અને 23 કામદારોને ગેસ ગળતરની અસર થતા નવી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટનામાં સચીન GIDC પોલીસ સ્ટેશને વિવિધ કલમો સાથે એન્વારોમેન્ટ પ્રોટેકશન એક્ટની કલમ-15 મુજબનો ગુનો દાખલ કરાયો હતો.

ઘટનાની તપાસ કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ વડોદરા રણોલીના એમ્પેરિયલ કોમ્પ્લેક્ષમાં રહેતા આશિષકુમાર દુધનાથ ગુપ્તા, સુરતના સચીનની શિવનગર સોસાયટીના પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા, અંકલેશ્વરના જીતાલીના જયપ્રતાપ રામકિશોર તોમર અને અંકલેશ્વરની નવસર્જન સોસાયટીમાં રહેતા વિશાલ ઉર્ફે છોટુ અનિલકુમાર યાદવની ધરપકડ કરી છે.

ભરૂચ અને વડોદરા પોલીસની મદદથી પકડાયેલા 4 આરોપીઓમાં આશિષ દુધનાથ ગુપ્તાએ આ કેમિકલ યુક્ત પ્રવાહી નિકાલ કરવા વિશાલ યાદવ તથા જયપ્રતાપ તોમરને આપ્યું હતું. આ બન્ને આરોપીએ ટેન્કર નંબર GJ - 06-22-6221 માં આ ઝેરી પ્રવાહી ભરી ડ્રાઈવર સુરેન્દ્રસીંગ અને સચીનના પ્રેમ સાગર ગુપ્તા મારફતે તેનો નિકાલ કરતા મોતનું તાંડવ સર્જાયું હતું. આ ચારેયના રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે કેમિકલ કોણે આપ્યું, કઈ કંપનીનું હતું તેની તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વર, વડોદરા અને સચીનના ચાર આરોપીઓનો રોલ અને ગુનાઇત કુંડળી
જયપ્રતાપ રામકિશોર તોમર
આરોપી જયપ્રતાપ તોમર ચારેક મહીનાથી અંકલેશ્વર સ્ટેશનરોડ ઓમકાર શોપિંગ સેન્ટરમાં યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંકમાં લોન ડીપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તેણે એસ.વાય.બી.કોમ સુધી એમ.એસ.યુનિવર્સીટી ખાતે અભ્યાસ કર્યો છે.
વિશાલ ઉર્ફે છોટુ અનિલકુમાર યાદવ
આરોપી વિશાલ ઉર્ફે છોટુ અંકલેશ્વર GIDC પ્રણામા ચોકડી કન્ટીનર - 8 ખાતે શ્રી સાંઇ બોડી બિલ્ડરના નામથી ગેરેજ ચલાવે છે. જે ધોરણ 10 સુધી ભણેલો છે.
આશિષકુમાર દુધનાથ ગુપ્તા
આરોપી ધોરણ 8 સુધી ભણેલો છે. સ્વેતા ટ્રાન્સપોર્ટના નામથી રણોલી વડોદરા ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો તથા ભાગીદારીમાં સંગમ એનવાયરો પ્રા.લી. નામથી ઓફિસ ચલાવે છે.
પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા
આરોપી સચીનની શીવનગર સોસાયટીમાં બાબા મહેન્દ્રનાથ રોડલાઇન્સના નામથી છેલ્લા- પાંચ વર્ષથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. હાલમાં તેની પાસે બે ટ્રક છે. પ્રેમસાગર ગુપ્તા ધોરણ 7 સુધી ભણેલો છે . છેલ્લા -15 વર્ષથી સુરતમાં રહે છે. વર્ષ 2009માં પ્રોહીબીશન અને 2016માં જુગારધારા તથા નેગોશીયબલ એક્ટ મુજબના ગુના નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...