ટ્રેન વ્યવહાર ખોરવાયો:પાનોલી રેલવે સ્ટેશને ઓવરહેડ કેબલ તૂટતા બે કલાક સુધી ટ્રેન વ્યવહાર ઠપ્પ રહ્યો

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપ અને ડાઉનની 4 ટ્રેનોને અંકલેશ્વર, પાનોલી સાયણ સ્ટેશને 3 કલાક 20 મિનિટ સુધી રોકી રખાઈ
  • આકરી ગરમીમાં રેલવેનો ઓવરહેડ વાયર ભરૂચ રેલવે સેક્શનમાં બુધવારે ત્રીજી વખત બ્રેક થયો હતો

પાનોલી રેલવે સ્ટેશને મુંબઈ-અમદાવાદ મુખ્ય ડાઉન લાઈનનો 25000 વોટનો ઓવરહેડ કેબલ તૂટી જતા સવારે 10 કલાક અને 20 મિનિટથી ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.અપલાઈન સુરક્ષિત રહી હતી. રેલવે તંત્રે ઓ.એચ.ઇ. વાન અને સ્ટાફ દોડાવી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. આખરે 2 કલાકની જહેમત બાદ ડાઉન લાઈનનો કેબલ દુરસ્ત કરાયો હતો.

ઓવરહેડ કેબલ તૂટવાના કારણે બિકાનેર-યશવંતપુર, ગંગાનગર- કોચુવલી, વિરાર-ભરૂચ અને સિકંદરાબાદ-રાજકોટ એકસપ્રેસ ટ્રેન અંકલેશ્વર, પાનોલી અને સાયણ સ્ટેશન ઉપર 3 કલાક અને 20 મીનિટ અટકાવી રખાઈ હતી. જેના કારણે મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

અંગ દઝાડતી ગરમી વચ્ચે મહિલાઓ અને બાળકોની હાલત દયનીય બની
પાનોલી પાસે ઓવરહેડ કેબલ તુટી જવા પાંચ જેટલી ટ્રેનોને કલાકો સુધી અલગ અલગ સ્ટેશનો પર રોકી દેવામાં આવી હતી. ટ્રેનો થોભાવી દેવામાં આવતાં મુસાફરો અટવાય ગયાં હતાં. એક અંદાજ મુજબ પાંચેય ટ્રેનોના 7 હજાર કરતાં વધારે મુસાફરોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં હાલાકીનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીને મહિલાઓ અને બાળકોની હાલત દયનીય બની હતી.

કોરોના બાદ રેલવે ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં વધારો
કોરોનાની મહામારી દરમિયાન ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી.અને કોરોનાના કેસ ઘટયા બાદ ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી હતી. હવે કોરોનાને લગતી મોટાભાગની ગાઇડલાઇન હટાવી લેવામાં આવી છે ત્યારે ટ્રેનોમાં પણ મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે.

તારીખ 3 મેના રોજ પણ કેબલમાં ક્ષતિ સર્જાઇ હતી
તારીખ 3 જી મેના રોજ ભરૂચ સેકશનના વરેડીયા અને નબીપુર વચ્ચે ઓવરહેડ વાયરમાં ક્ષતિ સર્જાય હતી. ઓવરહેડ કેબલમાં ક્ષતિ સર્જાવાના કારણે 11થી વધારે ટ્રેનોને અસર પહોંચી હતી. જે તે સમયે બે ટ્રેનોને રદ કરવાની પણ રેલવે વિભાગને ફરજ પડી હતી.

ગુડ્સ ટ્રેન પસાર થતી હતી ત્યારે વાયર તૂટી પડયો
મુંબઇ – અમદાવાદની ડાઉન લાઇન ઉપરથી ગુડસ ટ્રેન પસાર થઇ રહી હતી તે સમયે ઓવરહેડ કેબલ તુટી ગયો હતો. વાયર તુટીને ટ્રેનના એન્જીન ઉપર પડયો હતો. વાયર તુટતાંની સાથે ડાઉન લાઇન ઉપર વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો.

પાનોલીની આસપાસના સ્ટેશનો પર ટ્રેનો થોભાવી દેવાની રેલવે તંત્રને ફરજ પડી
બિકાનેર-યશવંતપુર, ગંગાનગર- કોચુવલી, વિરાર-ભરૂચ અને સિકંદરાબાદ-રાજકોટ એકસપ્રેસ ટ્રેન અંકલેશ્વર, પાનોલી અને સાયણ સ્ટેશન ઉપર 3 કલાક અને 20 મીનિટ સુધી રોકી રાખવાની ફરજ પડી હતી. ગુજરાત એકસપ્રેસ ટ્રેનને કોસંબા સ્ટેશને કલાકો સુધી અટકાવી દેવામાં આવી હતી. ટ્રેનો થોભી જવાના કારણે હજારો મુસાફરોની હાલત કાળઝાળ ગરમીમાં કફોડી બની હતી.

ગુરુવારના રોજ નવસારી અને અમલસાડ સ્ટેશન પાસે રેલવેનો મેગા બ્લોક રહેશે
તારીખ 9મી જુનના રોજ નવસારી - મરોલી અને અમલસાડ - વેડછા સ્ટેશનોની વચ્ચે રેલવે વિભાગની કામગીરીના કારણે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે અમૃતસર– બાંદ્રા ટર્મિનસ પશ્ચિમ એકસપ્રેસ, અમદાવાદ- મુંબઇ ગુજરાત એકસપ્રેસ તેમજ હિસાર- કોઇમ્બતુર એકસપ્રેસના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારની મુસાફરોને નોંધ લેવા માટે રેલવેના અધિકારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...