'મારા પતિ દારૂ પીને મરી ગયા છે, મારા ઘરમાં દારૂ પીવાને કારણે ત્રણ લોકોનાં મોત થયાં છે. મહેરબાની કરીને કોઇ ગામમાં દારૂ બંધ કરાવો.' આ શબ્દો છે ગીતાબેન પરમારના. ખુરશી પર બેઠેલાં ગીતાબેનના હાથમાં મૃતક પતિનો ફોટો છે અને આંખોમાં આંસુ... આવી હૈયુ હચમચાવી દે એવી વેદના એક ગીતાબેનની નહીં, પણ ગામની 150થી વધુ વિધવા મહિલાઓની છે. ભરૂચના જંબુસરના નાડા ગામમાં દેશી દારૂને કારણે અનેક પુરુષોનાં મોત થયાં છે. નવયુવાનો દારૂની લતે ચડી પોતાની માતાને માર મારે છે. સરપંચ સહિત ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં ગામમાં દારૂનું દૂષણ અટકતું નથી. પોલીસ હપતા લેતી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી કહ્યાં છે.
અનેક માવતરોએ જુવાન પુત્ર ગુમાવ્યા
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ અવારનવાર સામે આવતાં દૃશ્યોથી અનેક સવાલ ઊભા થાય છે. ત્યારે દિવ્યભાસ્કરની ટીમે જંબુસરના છેવાડાના નાડા ગામની સ્ત્રીઓની વેદના સાંભળી હતી. 5 હજારની વસતિ ધરાવતા નાડા ગામમાં 150 ઘર એવાં છે, જેમાં માત્ર વિધવાઓ જ રહે છે. જેમના વૈધવ્યનું કારણ દારૂ છે. જ્યારે કેટલાંક મા-બાપ પોતાના જુવાન પુત્રના મૃત્યુને કારણે નિરાધાર અને નિસહાય બન્યાં છે.
150થી વધુ સ્ત્રીઓ વિધવા થઈ
નાડા ગામમાં વેચાતા બેરોકટોક દારૂને કારણે યુવાનો બરબાદ થઇ રહ્યા છે. દારૂને કારણે 150થી વધુ સ્ત્રીઓ વિધવા થઇ છે, જ્યારે હજુ અનેક સ્ત્રીઓને પોતાનાં પતિ અને બાળકોની ચિંતા કોરી ખાય છે, કારણ કે ગામના અનેક પુરુષો અને યુવાધન દારૂના રવાડે ચડ્યાં છે. ગામમાં ઘણી વિધવાઓ એવી છે, જેમનો એકનો એક પુત્ર દારૂ પીવે છે. કમાઇને ઘરમાં લાવવાના બદલે ઘરવખરી વેચીને પણ દારૂ પીવે છે. માતાઓને ખાવાનાં ફાંફાં પડે છે, 5-10 રૂપિયાના પડીકા ખાઇને દિવસ કાઢવો પડે છે. સરપંચ સહિત ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં ગામમાં દારૂનું દૂષણ અટકતું નથી.
મને કોઈનો આશરો નથી, ખાવાનાં પણ ફાંફાં પડે છે: ગીતાબેન
નાડા ગામના વિધવા ગીતાબેન શંકરભાઇ પરમાર જણાવે છે, મહેરબાની કરીને કોઇ અમારા ગામમાં દારૂ બંધ કરાવો, મારા પતિ સહિત પરિવારના ત્રણ સભ્યનાં દારૂને કારણે મોત થયાં છે. ગામમાં આવી અનેક બહેને છે, જેમણે પોતાના પતિ ખોયા છે. ગીતાબેન ખોડાભાઇ જણાવે છે, મારો મોટો પુત્ર ત્રણ મહિનાથી દારૂની લતે ચડયો છે. મારે કોઇનો આશરો નથી. મને ઘરમાંથી કાઢી મૂકી છે, હું અલગ રહું છું. મારું પેન્શન પણ બંધ થઇ ગયું છે. ખાવાનાં ફાંફા પડી રહ્યાં છે. મારી સરકારને વિનંતી છે અમારા ગામમાં દારૂ બંધ કરાવો અને મારું પેન્શન ચાલુ કરાવો.
પુત્રને કંઈપણ કહેવા જાઉં તો મારવા દોડે છે: લક્ષ્મીબેન
મણિબેન જણાવે છે, દારૂની પોટલીના 50 રૂપિયા થયા, પણ છોકરાઓ પીવાનું બંધ નથી કરતા. સવારે ઘરેથી જાય અને સાંજે મોડાથી દારૂ પીને આવે છે. ગામની ભાગોળે બાવળોની ઝાડીઓમાં દારૂ ગાળે છે. લક્ષ્મીબેન જણાવે છે, હું મજૂરી કરીને મારું ઘર ચલાવું છુ. મારો છોકરો દારૂ પીવે છે. મને છોકરાની બહુ ચિંતા રહે છે. કંઇપણ કહેવા જાઉં તો મારવા દોડે છે. મહેરબાની કરીને અમારા ગામને આ દારૂના દૂષણમાંથી મુક્ત કરાવો.
યુરિયા ખાતરથી દારૂ બનાવવામાં આવે છે: સરપંચ, જિતેન્દ્ર દેસાઈ
ગામના સરપંચ જિતેન્દ્રભાઈ દેસાઈ જણાવે છે કે અમારા ગામમાં મળતો દારૂ યુરિયા ખાતરમાંથી બનાવવામાં આવે છે, જેને કારણે યુવાનોનાં મોત થઇ રહ્યાં છે. અમે કલેક્ટરને વારંવાર રજૂઆત કરી છે, પણ દારૂ વેચાવાનું ચાલુ જ છે. યુવાનો હજુ મોતને ભેટી રહ્યા છે. મારી સરકારને વિનંતી છે કે આ દૂષણ બંધ કરાવો. ગ્રામજન જશવંતભાઇ જણાવે છે, અમારું ગામ છેવાડાનું ગામ છે. સરપંચે અનેક રજૂઆતો કરી, પણ આનો અંત નથી આવતો. 150થી વધુ મહિલાઓ વિધવા થઇ છે. હજુ પણ ગામમાં દારૂ મળે છે. સરકારને વિનંતી છે કે અમારી આ સમસ્યાનું નિવારણ લાવી આપો.
દારૂને કારણે અનેક પરિવારોના માળા વિખાયા
મહત્ત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દરરોજ લાખોનો દારૂ પોલીસના હાથે લાગી રહ્યો છે. વાત નાડા ગામ પૂરતી સીમિત નથી, રાજ્યમાં અનેક એવાં ગામ છે, જ્યાં દારૂને કારણે અનેક પરિવારોના માળા વિખાયા છે. બૂટલેગરોને જાણે કે કાયદાનો ડર ના હોય એમ બેખોફ બની દારૂની હેરાફેરી કરી રહ્યા છે. રાજ્યની પોલીસ પણ સતર્ક છે. રોજનો લાખોનો દારૂ ઝડપાય છે, જોકે નાડા ગામ જેવાં અનેક ગામ છે, જ્યાં પોલીસની કામગીરી પર સવાલ ઊઠી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.