ચોરીનો ભેદ ઉકેલાયો:ભરૂચમાં ઉદ્યોગપતિના ઘરે થયેલી ચોરી મામલે તસ્કર અને દાગીના ખરીદનાર સોનીની ધરપકડ

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના મુક્તિનગરમાં રહેતા ઉધોગપતિના ઘરે ₹30.28 લાખની ચોરીમાં એલસીબીએ 8 મહિનાથી ઘરફોડ ચોરીમાં સક્રિય થયેલા તસ્કર અને ચોરીનું સોનુ ખરીદનાર જવેલર્સને ઝડપી પાડ્યા છે.શહેરની મુક્તિનગર સોસાયટીમાં રહેતા કંપની માલિક વિપુલ કોઠારી વારાણસી ગયા હોય તેઓના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રૂપિયા 21.37 લાખનું સોનુ, રોકડા 7.25 લાખ અને 1.60 લાખના યુએસ ડોલરની ચોરીમાં ભરૂચ LCB એ ચાર ટીમ બનાવી હતી.

તાજેતરમાં જ શહેર અને જિલ્લામાં બંધ ઘરોમાં થયેલી ચોરીમાં આસપાસના સીસીટીવી પોલીસે તપસ્યા હતા. જેમાં એક એક્ટિવા ચાલકની શંકાસ્પદ ગતિવિધિ સામે આવી હતી.નેત્રમ પ્રોજેકટ હેઠળ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના નિરવભાઈની મદદ લેવાઈ હતી. ભરૂચ LCB પોસઇ પી.એમ.વાળા, આર.કે. ટોરાણી, અજયભાઈ સહિતનો સ્ટાફ ચૂંટણીને લઈ શુક્રવારે પેટ્રોલિંગમાં હતો.દરમિયાન સંદિગ્ધ એક્ટિવા તુલસીધામથી દહેજ બાયપાસ જતું હોવાની માહિતી મળી હતી. તુરંત ટીમે તેને રોકી ડીકીની તપાસ કરતા અંદર જવેલર્સના મારકાના ખાલી કવરો મળી આવ્યા હતા.

વધુ પૂછપરછમાં મૂળ બોરસદ વાલવોદ ગામનો 55 વર્ષીય મનસુખ બાબુભાઇ કલાણી છેલ્લા 8 મહિનાથી ભરૂચમાં તસ્કરીમાં સક્રિય હોવાની કબૂલાત કરી હતી. મુક્તિનગર ચોરી સાથે અન્ય 6 ઘરફોડના પણ ભેદ ઉકેલાયા હતા.તુલસીધામમાં અગાઉ કાપડની દુકાન ચલાવતો આ તસ્કર મોઢા ઉપર રૂમાલ અને માથે હેલ્મેટ પહેરી ભરૂચમાં બંધ મકાનની દિવસભર રેકી કરી રાતે ધાપ મારતો હતો.

તુલસીધામના સહજાનંદ કોમ્પ્લેક્ષમાં માં શક્તિ જવેલ્સને ચોરીનું સોનુ વેચ્યું હોવાની કબૂલાત કરતા એલસીબીએ જવેલર્સ જગદીશ હસ્તીમલ સોનીની ધરપકડ કરી 19 તોલા રૂપિયા 8.49 લાખનું સોનુ રિકવર કર્યું છે. વધુ તપાસ એ ડિવિઝન પી.આઈ. વાઘેલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...