ટ્રાફિકજામ:નર્મદા નદી ઉપર 5 બ્રિજ અને 14 લેન છતાં જૂના અને નવા હાઇવે પર ટ્રાફિકજામ, વાહનોની 4 કિલોમીટર લાંબી કતારો

ભરૂચએક વર્ષ પહેલા
  • વડોદરાથી સુરત તરફ NH-48 ઉપર ટોલ પ્લાઝાથી લઈ નર્મદા ચોકડી સુધી ટ્રાફિક
  • માંડવા ટોલ પ્લાઝા પાસે ઉબડખાબડ રસ્તાના કારણે પુનઃ ટ્રાફિક

ભરૂચ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર NH 48 ઉપર પુનઃ એકવાર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે. ટોલ પ્લાઝાથી ઝાડેશ્વર ચોકડી સુધી વાહનોની લાંબી લાઈન લાગી રહી છે. ભરૂતમાં નવો નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થઈ ગયો છે. જોકે, વરસાદી માહોલ અને વાહનોના જુના તેમજ નવા હાઇવે ઉપર વધુ ભારણ સાથે ભરૂચ નજીક નર્મદા નદી પાસે ફરી ટ્રાફિકજામની કતારોએ બન્ને હાઇવે અને શહેરોના આંતરીક માર્ગને ભરડામાં લીધા છે. વડોદરાથી સુરત તરફ NH-48 ઉપર ટોલ પ્લાઝાથી લઈ નર્મદા ચોકડી સુધી 4 કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી.

નેશનલ હાઈવે નંબર-48 ઉપર અવાર નવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ચોમાસું નજીક હોય ત્યારે યોગ્ય સમારકામના અભાવે આ સ્થિતિનું નિર્માણ થાય છે. મુલદ ટોલ પ્લાઝા પાસે સુરત તરફ જવાના માર્ગ ઉપર રસ્તો અત્યંત ઉબડ ખાબડ છે અને તેના કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે. જેથી સતત ધમધમતા હાઈવે ઉપર ટ્રાફિકજામ થઇ જાય છે.

મંગળવારે રાત બાદ બુધવારે સવારે પણ ટ્રાફિક જમણી સ્થિતિ જોવા મળી હતી. ટોલ પ્લાઝાથી ઝાડેશ્વર ચોકડી સુધી વાહનોની કતારો જોવા મળી હતી. વાહન ચાલકોના સમય અને ઇંધણ બંનેનો વ્યય જોવા મળ્યો હતો. ત્યારે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ સમારકામ ઝડપથી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

હાઇવે પર ટ્રાફિક જામના કારણે નવનિર્માણ પામેલા નર્મદા મૈયા બ્રીજ ઉપર પણ ઘણા વાહનો ડાયવર્ટ થઇ રહ્યા છે જેના પગલે અહી પણ ક્યારેક ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે. ખાસ કરીને રાત્રીના સમયે એક તરફ કેટલાક લોકો બ્રીજ ઉપર સેલ્ફી લેવા પહોચે છે અને ટ્રાફિકને અડચણ થાય તે રીતે વાહનો પાર્ક કરે છે. બીજી તરફ વાહનોના ભારણના કારણે ટ્રાફિક જામ જોવા મળે છે. રાતે નવા બ્રીજ ઉપર આડેધડ પાર્કિંગ કરતા વાહનોને અટકાવાય તેવી પણ માંગ ઉઠવા પામી છે.

ભરૂચ પાસે નર્મદા નદી ઉપર જુના તેમજ નવા હાઇવે ઉપર ટ્રાફિકજામની વર્ષો જૂની વિકરાળ સમસ્યાથી વાહન ચાલકોને છુટકારો અપાવવા હાલ જૂનો-નવો સરદાર બ્રિજ, કેબલબ્રિજ તેમજ નર્મદા મૈયા અને ગોલ્ડનબ્રિજ મળી 5 પુલની 14 લેન હોવા છતાં ટ્રાફિકની સમસ્યા હાલ જૈસે થે જોવા મળી રહી છે.

NH-48 ઉપર ટોલટેક્સથી વડોદરા તરફ નર્મદા ચોકડી સુધી જ્યારે જુના નેશનલ હાઇવે 8 ઉપર નર્મદા મૈયા બ્રિજથી લઈ અંકલેશ્વર તરફ વાહનોની કતારો પડી જતા વાહનચાલકોની હાલાકીનો પાર રહ્યો ન હતો. આ ટ્રાફિકે બન્ને શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટને પણ ચપેટમાં લઈ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...