દોડધામ મચી:ઉચ્છદ પાસે મધુમતિ ખાડીમાં ટ્રેકટર ખેંચાયું: 6 લોકોનો બચાવ

ઝઘડીયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેકટર અધવચ્ચે પહોંચ્યું ત્યાં જ પાણીનો પ્રવાહ વધી ગયો

ઝઘડીયા તાલુકાના ઉચ્છદ ગામ નજીકથી પસાર થતી મધુમતિ ખાડીના ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર ફસાઇ જતાં દોડધામ મચી હતી. સદનસીબે ટ્રેકટરના ડ્રાયવર સહિત 6 લોકો સમયસુચકતા વાપરી ખાડીમાંથી બહાર આવી જતાં તેમનો બચાવ થયો હતો.

તાજેતરમાં અંકલેશ્વરના પીલુદરા ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદીમાં ટ્રેકટર પલટી જતાં એક ખેડુતનું મૃત્યુ થયું હતું. આવી જ ઘટના ઝઘડીયાના ઉચ્છદ પાસે બનતાં સહેજમાં રહી ગઇ હતી. ઉચ્છદ ગામના કેટલાક રહીશો ટ્રેકટર લઇને રાજપરા ગામની સીમમાં આવેલાં ખેતરોમાં કેળા લેવા માટે ગયાં હતાં.

ટ્રેકટરમાં કેળા ભરી તેઓ પરત આવી રહયાં હતાં તે વેળા તેઓ મધુમતી ખાડીની વચ્ચે જ પહોંચ્યાં ત્યાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ડ્રાયવર સહીતના 6 રહીશો ટ્રેકટરમાંથી નીચે ઉતરી જતાં તેમનો બચાવ થયો હતો.

ધોળી ડેમ ઓવરફલો થઇ રહયો હોવાથી મધુમતિ ખાડીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. હરીપુરા અને રાજપરા વચ્ચે મધુમતિ ખાડી પર કોઝ વે બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધુમતિ ખાડીના પાણી ફરી વળતાં ભુંડવા ખાડી પરના બ્રિજને બે કલાક માટે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...