ભરૂચ જિલ્લા વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાઈ ચુક્યો છે. ગુરૂવારે પરિણામ જારી થયા બાદ કુલ 5 બેઠકો ઉપર રહેલા 32 માંથી 22 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપનો વોટશેર 54 ટકાથી વધુ રહ્યો છે ત્યાં પાંચેય બેઠક ઉપર મતો મેળવવામાં સરેરાશ ત્રીજા નંબરે NOTA રહ્યું છે. ભરૂચ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારને બાદ કરતાં અન્ય 4 ઉમેદવારોએ કુલ 1,746 મત મેળવ્યા છે. જેની સામે નોટાના મત 2,722 છે.
અંકલેશ્વર બેઠક ઉપર બંને સગાભાઇઓને બાદ કરતાં અન્ય 2 ઉમેદવારે 3773 મત મેળવ્યા છે. જે સામે નોટાના મત 2327 છે. જંબુસર બેઠક ઉપર 4 ઉમેદવારોના કુલ મત 2,829 છે અને નોટાના 2,273 છે. એવી જ રીતે વાગરા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસને બાદ કરતા અન્ય 7 ઉમેદવારોના કુલ મત 5,139 થાય છે.
જ્યારે નોટાના 2,412 રહ્યાં છે. ઝઘડિયા બેઠક ઉપર નોટાને સૌથી વધુ 3,012 મત મળ્યા છે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે થયેલી ચૂંટણીની મત ગણતરી ગુરૂવારે હાથ ધરવામાં આવી હતી. 5 બેઠક પર 32 ઉમેદવારોએ ઝંપ લાવ્યું હતું. વિજેતા બનેલા ઉમેદવારોની લીડ 10 હજાર કરતા વધારે હોવાના કારણે નોટાની કોઇ અસર થઇ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.