કાર્યવાહી:ભરૂચમાં ત્રણ અલગ અલગ સ્થળોએથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતી મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ચાઈનીઝ દોરી સહિતની સામગ્રી મળી 14 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

ભરૂચ શહેરના ત્રણ અલગ અલગ સ્થળોએથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતી મહિલા સહિત ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માનવી અને પશુ,પક્ષીઓ તેમજ પર્યાવરણ માટે નુકશાનકારક એવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તેના મટિરિયલના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેને પગલે ભરૂચ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર નજીક આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રાજેશ નટવરલાલ ચણાવાલાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાઈનીઝ દોરીના 38 નંગ ફિરકા મળી કુલ 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે રાજેશ ચણાવાલાને ઝડપી પાડ્યો હતો.

આ ઉપરાંત બી ડિવિઝન પોલીસે પીરકાઠી રોડ ક્રિષ્ના બ્યુટીપાર્લર સામે મુસ્તુફા મટીરીયલ દુકાનમાંથી 11 નંગ ચાઈનીઝ દોરીની ફિરકા મળી કુલ 3 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ડુંગરી શેરપુરા રોડ ઉપર આવેલા ખુશ્બુ પાર્કમાં રહેતો એઝાજ મોહમંદ મોહમદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો.

સી ડિવિઝન પોલીસે કસક સર્કલ પાસે આવેલા સાઈ સીઝનલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 2 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા મળી આવ્યા હતા. 800નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી કસક જલારામ મંદિર સામે મોજલપુર મિસ્ત્રીવાડ ખાતે રહેતી દીપતિબેન મનીષ મિસ્ત્રીને ઝડપી પાડી હતી. પોલીસની આ કાર્યવાહીને પગલે ચાઈનીઝ દોરી સહિતની સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓ ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...