જંબુસર તાલુકા પંચાયતમાં પ્યૂનની નોકરી કરતી મહિલા કર્મી ભરૂચ ખાતે રહેતાં તેમના પુત્રોને મળવા આવી હતી. દરમિયાનમાં તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના મળી કુલ 2.45 લાખની ચોરી કરી રફૂચક્કર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસરના શિવનગર સસાયટી ખાતે રહેતાં વિદ્યાબેન ઇશ્વર પરમાર તાલુકા પંચાયતમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. તેમના પતિના દેહાંત બાદ તેમણે પોતાના બે સંતાનોની જવાબદારી સંભાળી હતી. હાલમાં તેમના બન્ને પુત્ર નોકરી અર્થે ભરૂચ આવી રહેતાં હતાં.
ગત 24મીએ તેઓ તેમના ઘરને તાળું મારી બપોર બાદ તેમના સંતાનોને મળવા માટે ભરૂચ ગયાં હતાં. જે બાદ તેઓ 27મીએ રાત્રે ઘરે પરત આવતાં તેમના ઘરને મારેલું તાળું તુટેલું જણાઇ આવ્યું હતું. તેમજ નકુચો પણ તુટેલો હતો. જેથી તેમણે ઘરમાં જઇ તપાસ કરતાં બેડરૂમની તિજોરીઓ ખુલ્લી હોવા સાથે તમામ સામાન વેરવિખેર પડેલો હતો.
તપાસ કરતાં તસ્કરોએ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ 70 હજાર રોકડા મળી કુલ 2.45 લાખની મત્તાની ચોરી કરી રફૂચક્કર થઇ ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે તેમણે જંબુસર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તસ્કરોના પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.