દહેજ ફેઝ 2માં વડદલા ગામે આવેલી કેન્સરની બીમારીઓના ઉપચારની દવા બનાવતી શિવાલીક રસાયણના ઓન્કોલોજી વેરહાઉસમાંથી 710.50 ગ્રામ કેન્સરની ₹39 લાખની કિંમતની બે દવાઓની ચોરીથી ચકચાર મચી છે. વડદલા ગામે દહેજ 2 માં શિવાલીક રસાયણ કંપની આવેલી છે. કંપની કેન્સરના ઉપચારમાં વપરાતી જીવનરક્ષક દવાઓ બનાવે છે. ઓન્કોલોજી ફિનિશડ પ્રોડક્ટ વેરહાઉસમાં બાયોમેટ્રિક લોક ડોર સાથે અન્ય બે લોક દરવાજા વચ્ચે મુકાય છે. બ્રેસ્ટ કેન્સર, લુકેમિયા, કેમોથેરાપી સહિતની કેન્સરની બીમારીમાં વપરાતી કેપેસીટાબીન, બુસલફન, લેનાલીડોમાઇડ, બેન્ડામુસ્ટીન HCL અને બોરટીઝોમીબ દવા તૈયાર થયા બાદ તેને પ્લાસ્ટિકના 4 ડબ્બામાં ઓનકોલોજી વિભાગમાં મુકવામાં આવે છે.
ગત 8 ડિસેમ્બરે ઓન્કોલોજી વેરહાઉસમાં સિનિયર એક્ઝિકુયુટીવ ત્રણ દરવાજા ખોલી દવાઓ લેવા જતા ડબ્બાઓ વેરવિખેર અને સીલ તૂટેલા મળી આવ્યા હતા. ઘટનાની જાણ કંપનીના ઉચ્ચ અધિકારીઓ, પ્લાન્ટ હેડને કરાતા તેઓ વેરહાઉસમાં દોડી આવ્યા હતા. જ્યાં વેરહાઉસના પાછળના ભાગે કાચની વેન્ટીલેશન કોઈ હથિયાર વડે ખોલી ચોરીને અંજામ અપાયો હોવાનું માલુમ પડ્યું હતું.
દવાની તપાસ કરતા બેન્ડામુસ્ટીન HCL 4 ડબ્બામાંથી 567 ગ્રામ ગાયબ હતો. જ્યારે અલગ અલગ 4 બેચનો બોરટીઝોમીબ 4 ડબ્બામાંથી 143.50 ગ્રામ ચોરી થયો હતો. કેન્સરની બન્ને દવાનો 710.50 ગ્રામ જથ્થો કિંમત રૂપિયા 39 લાખની ચોરી અંગે MD વિજય શેરાવતને જાણ કરાઈ હતી. જોકે તેઓ અમેરિકા હોય બોર્ડ મિટિંગમાં ઠરાવ કર્યા બાદ એમ.ડી. પરત આવતા પ્લાન્ટ હેડ જસવેન્દ્ર શેરાવતે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.