જંબુસર તાલુકાના સારોદ ગામે દરિયામાં કેમિકલવાળુ પાણી છોડવામાં આવતાં સારોદ તેમજ આજુબાજુના ગામના લોકોએ એસડીએમ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. દરિયાને દુષિત કરનારી વીઇસીએલ કંપની સામે કડક કાર્યવાહીની માગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાથી નીકળતી અને સારોદના દરિયામાં પ્રદુષિત પાણી છોડતી વીઈ.સીએલ કંપની સામે સારોદ વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહયો છે.
કેમિકલવાળા પાણીનું વહન કરતી વીઇસીએલ કંપનીની લાઇનોની આવરદા પુરી થ ચુકી છે અને ઠેર ઠેર લીકેજ હોવાથી ગંદુ પાણી ભુર્ગભમાં ઉતરી રહયું છે તેમજ પાણીના દરિયામાં નિકાલ માટે 5 કિમીની પાઇપલાઇન નાંખવાના બદલે કંપનીએ વેઠ ઉતારી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, પાઇપ લાઇનની મંજૂરી દરિયામાં પાંચ કિલોમીટર સુધી નાખવાની હોવા છતાં તળાવ પાસે છોડી દીધેલ છે. જેથી ખરાબ પાણીના પ્રદૂષણથી આજુબાજુના ખેતીના પાકને તેમજ માછીમારોને નુકશાન થઇ રહયું છે. વીઇસીએલ કંપનીની ગંભીર બેદરકારીના વિરોધમાં ગામોના લોકોએ જંબુસરની એસડીએમ કચેરી ખાતે આવી હોબાળો મચાવ્યો હતો.
પાણીને શુધ્ધ કર્યા વિના જ નિકાલ કરી દેવાય છે
કેમિકલયુક્ત પાણી વેડચ ગામ પાસે આવેલ પંપિંગ સ્ટેશનમાં ફિલ્ટર કરીને છોડવાનો નિયમ હોવા છતાં કર્મચારીઓ સીધુ ગંદુ પાણી જ છોડી રહયાં છે. વધુમાં કેમિકલ યુક્ત પાણી દરિયામાં પૂનમ અને અમાસની ભરતી આવે ત્યારે ભરતી ઉતર્યા બાદ દરિયામાં છોડવાનું હોય છે.પરંતુ કંપની 24 કલાક પાણી છોડી રહી છે જેથી જળચરોના મોત થઇ રહયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.