કેન્દ્ર સરકારે ટેકાના ભાગે તુવેર ખરીદી માટેની સમયમર્યાદામાં વધુ 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે આગામી 30 મે સુધીમાં જે નોંધાયેલાં ખેડૂતો હશે તેમની તુવેર સરકારના નિયમાનુસારના ટેકાના ભાવે ખરીદી થઇ શકશે.
સરકાર દ્વારા વર્ષ 2021-22માં તુવેર માટે પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ રૂ.6300 જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી અન્વયે કુલ 18535 ખેડૂતોની નોંધણી થઇ છે. જે અન્વયે રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી રાજ્ય નોડલ એજન્સી ગુજકોમાસોલ દ્વારા 15 ફેબ્રુઆરીથી કરવામાં આવી રહેલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 8617 ખેડૂતો પાસેથી રૂ.104કરોડના મૂલ્યની16,480 મે.ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે.
સરકાર તરફથી મળેલ મંજૂરીને આધિન તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો 15 મે ના રોજ પૂર્ણ થઇ ગયો હતો. પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તુવેર પાકની થતી મોડી વાવણી અને કાપણીના લીધે નોંધાયેલ ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતોને પોતાની તુવેરનો જથ્થો ટેકાના ભાવે વેચાણ માટે બાકી રહી ગઇ હતી.
જે ધ્યાને લઇ તુવેરની ટેકાના ભાવે ખરીદી બાકી રહેલ હોય તેવા નોંધાયેલ ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો 15 દિવસ લંબાવી આપવા દરખાસ્ત કરી હતી. જેના પગલે કેન્દ્ર સરકારે ખેડૂત પ્રત્યે સહાનુભૂતિ દાખવી તુરંત સાનુકૂળ પ્રતિભાવ આપતાં ખરીદી 15 દિવસ સુધી એટલે કે, 30 મે સુધી લંબાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.