રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈ સંક્રમણને ફેલાતું અટકાવવા સરકાર દ્વારા અમુક પ્રતિબંધો લાગુ કરાયા છે, જેમાં 14 વર્ષથી નાની વયનાં બાળકોને 31 જાન્યુઆરી સુધી શાળાએ ન બોલાવવાની સૂચના આપવામાં આવી છે. જોકે તેમ છતાં કેટલીક શાળાઓ દ્વારા સરકારની આ સૂચનાનું પાલન કરાવવામાં આવતું નથી. ભરૂચના શેરપુરા રોડ પર આવેલી બ્રાઇટ એન્જલ સ્કૂલમાં નાનાં ભૂલકાંને અભ્યાસ માટે બોલાવવામાં આવ્યાં હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે.
સ્કૂલમાં સરકારની સૂચનાની ઐસીતૈસી
એક તરફ, દેશભરમાં કોરોના કેસની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી છે, જેથી સરકારે નાનાં બાળકોને ઓફલાઈનના બદલે ઓનલાઈન ભણાવવાની સૂચના આપી છે. બાળકોને કોરોના વેક્સિન મળી ન હોવાથી તેમના સ્વાસ્થ્ય માટે જોખમી પરિસ્થિતિનું સર્જનની શક્યતાને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે શહેરની બ્રાઇટ એન્જલ સ્કૂલમાં સરકારની આ સૂચનાની ઐસીતૈસી થઈ હતી. સ્કૂલમાં નાનાં ભૂલકાંને બોલાવવામાં આવ્યાં હતાં.
શાળામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
આ ઉપરાંત શાળામાં બાળકો માટે માસ્કની પણ તકેદારી રાખવામાં આવી ન હતી. સોશિયલ ડિસ્ટન્સનનો પણ ભંગ જોવા મળ્યો હતો. જિલ્લામાં દરરોજ સરેરાશ 200થી વધુ કેસ સામે આવી રહ્યા છે ત્યારે બાળકોને શાળાએ બોલાવનારા શિક્ષકો તેમજ શાળાએ મોકલનારા વાલીઓ બન્નેની બેદરકારી જોવા મળી છે.
શિક્ષણાધિકારીએ તપાસના આદેશ કર્યા
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાને વાકેફ કરવામાં આવતાં તેમણે તાત્કાલિક તપાસના આદેશ કર્યા હતા. બીજી તરફ શાળા-સંચાલકોએ તેમને શાળા બંધ રાખવાનો પરિપત્ર મળ્યો જ ન હોવાનો પોકળ બચાવ કર્યો હતો. નાનાં બાળકોને ઓફલાઈન શિક્ષણ ન આપવાની સ્પષ્ટ સૂચના છતાં શાળાના આ પ્રકારના બેજવબાદર વર્તન સામે આગામી દિવસોમાં તંત્ર તરફથી કાર્યવાહી કરાઈ શકે છે.
જોખમી સ્થિતિ સર્જયાનું સ્પષ્ટ થશે તો કડક કાર્યવાહી
આ ઘટનાને પગલે એજ્યુકેશન-ઇન્સ્પેકટર દિવ્યેશ પરમાર શાળા ખાતે દોડી ગયા હતા, જેમણે સંચાલકોને નોટિસ ફટકારી તેમની પાસે સરકારની સૂચના છતાં શાળામા બાળકોને બોલાવવાનો જવાબ માગ્યો છે. એજ્યુકેશન- ઇન્સ્પેકટર ભરૂચ દિવ્યેશ પરમારે જણાવ્યું હતું કે બાળકો માટે જોખમી સ્થિતિ સર્જયાનું સ્પષ્ટ થશે તો કડક કાર્યવાહી હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.