ભરૂચ શહેરમાં તસ્કરો સક્રિય થયાં છે. શહેરના સ્ટેશન રોડ પર આવેલી 4 તેમજ સેવાશ્રમ રોડ પર આવેલી 4 દુકાનોના શટર તોડી દુકાનોમાં હાથફેરો કરી રફૂચક્કર થઇ ગયાં હતાં.બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. સેવાશ્રમની એક દુકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં 2થી ત્રણ તસ્કરોએ કારસાને અંજામ આપ્યો હોવાનું જણાયું હતું. જોકે, આ લખાય છે ત્યાં સુધી મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
ભરૂચ શહેરમાં કોરોનાકાળમાં લોકડાઉન વેળા આર્થિકરીતે પડી ભાંગેલાં દુકાનદારો અનલોકમાં હજી માંડ માંડ બેઠા થઇ રહ્યાં છે. ત્યાં શહેરમાં તસ્કરોએ સાગમટાં 8 દુકાનોના શટર તોડવાની ઘટના સામે આવી છે. શહેરના સ્ટેશન રોડ પર આવેલી 4 તેમજ સેવાશ્રમ રડ પર આવેલી 4 દુકાનોના શટર રાત્રિના સમયગાળામાં તસ્કરોએ તોડ્યાં હતાં. કોઇ હથિયાર વડે શટર વચ્ચેથી ઉંચુ કરી અંદર પ્રવેશ કરી તસ્કરોએ રૂપિયા તેમજ અન્ય સામાનની ચોરી કરી રફૂચક્કર થઇ ગયાં હતાં.
સવારે દુકાનદારો નિત્યક્રમ મુજબ પોતાની દુકાને આવતાં તેમની દુકાનોમાં ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. વાત વાયુવેગે પંથકમાં ફેલાતાં આસપાસના લોકોના ટોળા સ્થળ પર દોડી આવ્યાં હતાં. બીજી તરફ ભરૂચ એ ડિવિઝન પોલીસને ઘટનાથી વાકેફ કરતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
તસ્કરોના સગડ મેળવવા પોલીસે એક દુકાનના સીસીટીવી ફૂટેજ મેળવતાં રાત્રીના સવા બે વાગ્યાના અરસામાં 2થી 3 તસ્કરોએ તેમની દુકાનમાં ચોરી કરી હોવાનું જણાયું હતું. પોલીસે ફૂટજના આધારે તસ્કરોના પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે. જોકે આ લખાય છે ત્યાં સુધી બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાઇ નથી.
ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે
ભરૂચમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. હાલમાં એક દુકાનના સીસીટીવી ફૂટેજ મળ્યાં છે તેના આધારે તેમજ શહેેરમાં નેત્રમ પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલાં સીસીટીવીના તપાસી તસ્કરો ક્યાંથી આવ્યાં અને કઇ દિશામાં ગયાં તેની તપાસ ચાલી રહી છે. - એ. કે. ભરવાડ, પીઆઇ, એ ડિવિઝન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.