સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:સરપંચના તાજનો મંગળવારે ફેંસલો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં મતદારોએ ઉત્સાહ દાખવ્યો હતો. જ્યારે વાલિયાના ડહેલી ગામે સાંજે છ કલાક પછી પણ કતારો લાગી હતી. - Divya Bhaskar
ભરૂચમાં મતદારોએ ઉત્સાહ દાખવ્યો હતો. જ્યારે વાલિયાના ડહેલી ગામે સાંજે છ કલાક પછી પણ કતારો લાગી હતી.
  • ભરૂચ જિલ્લામાં લોકશાહીના મહા ઉત્સવમાં અનેરો ઉત્સાહ, મતદારોનો મિજાજ મતપેટીમાં સીલ
  • ચોરે અને ચૌકે એક જ પંચાયત, કોનું મંગળ થશે?

ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં વાલિયા, ડહેલી અને ભડકોદ્રા ગામે ચૂંંટણીને લઇને થયેલાં ધિંગાણા સિવાય જિલ્લાભરમાં શાંતિમય માહોલમાં મતદાન થયું હતું. સાંજના 5 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 70.74 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ હાંસોટમાં 81.59 ટકા જ્યારે સૌથી ઓછું ભરૂચમાં 60.88 ટકા મતદાન થયું હતું. જોકે, કેટલીક ગ્રામ પંચાયતોમાં મતદારો કરતાં મતદાન કેન્દ્રોની સંખ્યા ઓછી હોવાને કારણે મોડી રાત્રિ સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી. જોકે, હજી મતદાનનો અંતિમ ચિતાર સ્પષ્ટ નથી. પરંતુ તજજ્ઞોના જણાવ્યાનુંસાર મતદાનની ટકાવરીનો અંતિમ આંક 75થી 77 ટકા સુધીમાં સિમીત થાય તેવી શક્યતાઓ છે.

ભરૂચ જિલ્લામાં લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો હતો. જિલ્લાની 483 ગ્રામ પંચાયતોમાં મતદાન થવાનું હતું. જોકે, 62 ગ્રામ પંચાયતો સમરસ થવા સાથે 17 સપરંચ અંશત: બિનહરીફ થયાં હતાં. ઉપરાંત 738 સભ્યો અશંત: બિનહરીફ રહ્યાં છે. જ્યારે 1 બેઠક પર ફોર્મ ન ભરાતાં ખાલી રહી છે. ત્યારે હાલમાં 413 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે 1176 ઉમેદવારો તેમજ વિવિધ ગ્રામ પંચાયતોના કુલ 2803 વોર્ડ માટે 6987 ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં હતાં.

જિલ્લામાં કુલ 878 મતદાન મથકો પર ચૂંટણીમાં સવારના સમયે મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી. જોકે, બાદમાં મતદારોએ પોતાન ઉત્સાહનો રંગ દાખવતાં સાંજે 5 વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ 70.74 ટકા મતદાન થયું હતું. જેમાં મહિલાઓએ 71.32 અને પુરૂષોએ 70.20 ટકા મતદાન કર્યું છે.

રાણીપુરામાં 103 વર્ષના વૃદ્ધનું મતદાન
વિતેલા વર્ષોની યાદ સાથે આ વરિષ્ઠ નાગરીકે મત આપીને લોકશાહીની રસમ નિભાવી હતી. ઝઘડિયાના રાણીપુરા ગામે 103 વર્ષના વયોવૃદ્ધ ડાહ્યાભાઈ અમારીદાસ દેસાઇએ મતદાન કરી પોતાની જાગૃતિ બતાવી હતી. ડાહ્યાભાઈની ગણના ઝઘડીયા તાલુકાના આગળ પડતા સહકારી અગ્રણીઓમાં થાય છે.

અંદાડામાં બે પેનલ સામસામે આવી જતા તંગદિલી
અંકલેશ્વરના અંદાડા ગામે અક્ષરધામ સોસાયટીના મતદાતાને મતદાન બુથ પર લઇ જવાના મુદ્દે બે પેનલ સામસામે આવી જતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતાં જ શહેર પીઆઇ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બંને પક્ષને છુટા પાડી મામલો થાળે પાડ્યો હતો.

ગત ચૂંટણી કરતા આ વખતે 3થી 5% ઓછું મતદાન
ગતટર્મની ચૂંટણીમાં જિલ્લામાં 81 ટકા મતદાન થયું હતું. જેની સરખામણીમાં આ વખતે ઓછું મતદાન થયું હોય તેવા અણસાર દેખાઇ રહ્યાં છે. તજજ્ઞોના જણાવ્યાનુંસાર અંતિમ એક કલાકમાં સામાન્યત: 5થી 7 ટકા જેટલું મતદાન થતું હોય છે. જેથી મતદાનની ટકાવારી વધીને 75થી 77 ટકા જેટલી થાય તેવી શકયતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...