ગુજરાતના મધ્ય અને દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કાનમ પ્રદેશમાં આ વર્ષે કપાસની ઊંચી ઉત્પાદકતા જોવા મળી છે. જેને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કાનમ પ્રદેશ જે કપાસની જુદી જુદી જાતોનું વાવેતર કરે છે. ત્યાં અત્યારે એપ્રિલ મહિનામાં પણ ખેડૂતો કપાસનું ઉત્પાદન લઈ રહ્યા છે.
ગત ચોમાસામાં ભરૂચ જિલ્લામાં કપાસનું મોટાપાયે વાવેતર થયું હતું. ચોમાસાની શરૂઆત પણ સારી હતી. બાદમાં કપાસના છોડ સારી રીતે વિકાસ પામ્યા હતા. જે દરમિયાન બે ત્રણ અઠવાડિયા વરસાદની ખેંચ થતા ક્યાંક કપાસના નાના છોડના પાન મુરઝાયા હતા. બાદમાં સતત બે માસ સુધી વરસાદ પડતાં કપાસના છોડમાં પૂરતો વિકાસ થયો. તેમજ શિયાળામાં ઠંડીનું પ્રમાણ પણ સારું રહેતા કપાસના છોડમાં પુષ્કળ ફૂલો આવ્યા હતા. કપાસ માટે હવામાન અનુકૂળ રહેતા ખેડૂતોને કપાસની ઊંચી ઉત્પાદકતા મળી હતી. આમ દર વર્ષે થતા ઉત્પાદન કરતા વધુ ઉત્પાદન ખેડૂતોને મળતા ખેડૂત વર્ગ આગામી વર્ષે વધુ કપાસનું વાવેતર કરશે તેવું કહી રહ્યા છે.
કપાસની ખેતીમાં વર્ષ કેવું રહ્યું તેવું આમોદ તાલુકાના દાંડા ગામના ખેડૂતોને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે કપાસના પાકનો ઉતારો સારો મળવાને લીધે અમને સારો ફાયદો મળ્યો છે. ગત વર્ષોમાં કપાસના ભાવ એક ક્વિન્ટલના 5000 રૂપિયા હતા જ્યારે આ વર્ષે ડબલ ભાવ એટલે કે 10000 રૂપિયા મળી રહ્યા છે. કપાસની ગુણવત્તા, ઉત્પાદકતા અને ડબલ ભાવ મળવાથી ખેડૂતોને રાહત થઈ છે. સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ પૈકી સાત પગલાં યોજના થકી ખેડૂતોના ખર્ચમાં પણ ઘટાડો થયો છે. બીજું કે જ્યારે અમે કપાસનું વાવેતર કર્યું હતું ત્યારે એવી આશ ન હતી કે આટલું સારું ઉત્પાદન મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.