• Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • The Opposition Brought Binoculars To See The Development Made By The Ruling BJP For 27 Years In Bharuch Municipality, Demand To Supersede The Municipality In The Near Future.

ભાજપ કોંગ્રેસ આમને સામને:ભરૂચ પાલિકામાં 27 વર્ષથી શાસક ભાજપે કરેલો વિકાસ જોવા વિપક્ષ દૂરબીન લઈ આવ્યું, આગામી સમયમાં પાલિકાને સુપરસીડ કરવાની માંગ

ભરૂચ12 દિવસ પહેલા
 • પાલિકાની સામાન્ય સભા ડમ્પિંગ સાઇટ, રસ્તા, ડ્રેનેજ, લાઈટ, ડોર ટુ ડોર અને પાણીને લઈ તોફાની બની
 • વિકાસહિન કોંગ્રેસ હવે હવાતિયાં ઉપર આવી ગયું, પાલિકા પ્રમુખ
 • પાલિકા દ્વારા ઐતિહાસિક રતન તળાવ માટે વધુ ₹10 કરોડની ફાળવણી

ભરૂચ પાલિકાની શનિવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસે દૂરબીન લઈ આવી 27 વર્ષથી ભાજપના રાજમાં તેમને કરેલા વિકાસનો અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પાલિકાની સામાન્ય સભા વિકાસના એજન્ડા ઉપર મુકેલા 25 કામોને લઈ મળી હતી. પોણા બે કલાક ચાલેલી સભામાં વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપને પ્રજાના પ્રાણ પ્રશ્નો મુદ્દે ભારે ભીંસમાં લેતા દરેક મુદ્દે સભા ઉગ્ર તોફાની બની ગઇ હતી.

કોંગ્રેસે ઉગ્ર ચર્ચા કરી શાસક પક્ષને ભીંસમાં લીધો
કોંગ્રેસે પ્રિ-મોન્સૂન કામગીરી, કાંસની સફાઈ, રસ્તાના પેચ વર્ક, ડ્રેનેજ, ડોર ટુ ડોર, લાઈટ, પાણી અને ડંપિંગ સાઇટ મુદ્દે ઉગ્ર ચર્ચા કરી શાસક પક્ષને ભીંસમાં લીધો હતો. કોંગી કોર્પોરેટેરો સભામાં દૂરબીન લઈ આવી શહેરમાં ક્યાં વિકાસ થયો છે તે બતાવવા ભાજપને કઈ વિરોધ નોંધાવ્યો હતો.

પ્રજાને કોંગ્રેસ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે: પાલિકા પ્રમુખ
આગામી સમયમાં કોંગ્રેસ પાલિકાને સુપર સીડ કરવાની માંગણી કરશે તેવી ચીમકી વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે ઉચ્ચારી છે. પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ સભા મુદ્દે વિપક્ષના ઉગ્ર દેખાવોને લઈ કહ્યું હતું કે, વિકાસ વિહીન કોંગ્રેસ હવે હવાતિયાં ઉપર આવી ગયું છે. પ્રજાને કોંગ્રેસ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.

રતન તળાવ માટે વધુ રૂ.10 કરોડની ફાળવણી
રતન તળાવના દુર્લભ કાચબાઓના રક્ષણ માટે પણ વર્ષો વીત્યા છતાં કોઈ નક્કર કામગીરી થઈ નથી. આજની સામાન્ય સભામાં ફરી રતન તળાવના વિકાસ માટે ₹10 કરોડ સુધીની રકમ ફાળવવાની જાહેરાત કરાઈ હતી. જેમાં પાલિકા પ્રમુખે કહ્યું હતું કે, શહેરના માતરિયા તળાવની જેમ રતન તળાવને વિકસાવાશે. જેમા રિટેઇનિંગ વોલ અને વોક વે પણ હશે. હવે સમય જ બતાવશે કે રતન તળાવનો વિકાસ કઈ રીતે થાય છે.સભામાં અન્ય વિકાસના કામોમ વોટર વર્ક્સ માટે પણ રૂપિયા 10 કરોડની જાહેરાત અને અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ માટે રૂપિયા 16 કરોડની જોગવાઈ કરાઈ હોવાની વાત કરવામાં આવી હતી.

માત્ર એજન્ડાની ચર્ચા કરવા કહ્યું હતું
વિપક્ષના દરેક સવાલના અમે જવાબ આપતાં હતાં. એજન્ડાની બહારના મુદ્દાઓની ચર્ચા વિપક્ષ કરવા માગતું હતું. દુરબીન લઇને વિરોધ કરવાની તેમની પધ્ધતિ ખોટી હતી. સભાના તમામ કામોને મતદાનથી મંજુર કરાવ્યાં છે. દરેક વાતમાં વિરોધ કરવાનું વિપક્ષનું વલણ અયોગ્ય છે. > અમિત ચાવડા, પાલિકા પ્રમુખ.

શાસકોએ સભામાંથી પીછેહઠ કરી લીધી
મુખ્ય અધિકારીના બદલે સીટી એન્જિનીયરને હાજર રખાતાં વિરોધ કર્યો હતો. શાસકોએ અમારી રજુઆતો સાંભળવાના બદલે ઠરાવો મતદાન પર લઇ જોહુકમી બતાવી છે. શહેરમાં લોકો પરેશાન છે અને કયાંય વિકાસ દેખાતો ન હોવાથી અમે દુરબીન લઇને પ્રતિકાત્મક વિરોધ કર્યો છે. > શમશાદ સૈયદ, વિપક્ષી નેતા.

18 ઠરાવો સુધી ચર્ચા પછી શાસકોએ સભા સમાપ્ત જાહેર કરી દીધી
સામાન્યસભામાં 25 ઠરાવો રજુ કરવાના હતાં પણ 18 ઠરાવ સુધી શાસક અને વિપક્ષ વચ્ચે તંદુરસ્ત ચર્ચા ચાલી હતી. આ બાદમાં વિપક્ષના સભ્યોએ દુરબીન કાઢી વિકાસને શોધી રહયાં હોવાનું જણાવતાં શાસકો ભડકયાં હતાં. શહેરમાં પડેલા ખાડાઓ, સ્ટ્રીટ લાઇટોના ધાંધિયા સહિતના મુદ્દે ગરમાગરમી થઇ હતી. આખરે શાસકોએ સભાની કાર્યવાહી મતદાન પર લઇ તમામ ઠરાવો બહુમતીથી પસાર કરાવી લીધાં હતાં. સભા અધવચ્ચે સમાપ્ત થઇ જતાં વિપક્ષ પણ રજુઆત કરવા માટે શાસકોને શોધતો રહયો હતો. પાલિકાના સભાખંડમાં તથા પ્રમુખની ચેમ્બરમાં વિપક્ષે રજુઆત કરી હતી.

સભાખંડમાં સભા અને બહાર દેખાવોભરૂચની ભારતી રોહાઉસ નજીક ગરનાળુ તોડી પાડવા તથા વિકાસકામોને લઇ પશ્વિમ વિસ્તારના રહીશોમાં રોષ ફેલાયો છે. પાલિકાના સભાખંડમાં સામાન્યસભા ચાલી રહી હતી તેવામાં પશ્વિમ વિસ્તારના રહીશો મોરચો લઇને પાલિકાએ આવ્યાં હતાં. તેમણે સુત્રોચ્ચાર કર્યા હતાં. સભા સમાપ્ત થયા બાદ પણ તેમણે દેખાવો ચાલુ રાખ્યાં હતાં. તેમણે પ્રમુખની ચેમ્બરને તાળાબંધી કરવાની હિલચાલ કરતાં પોલીસ એકશનમાં આવી હતી.

સામાન્ય સભાની સાથે સાથે

 • સભાની શરૂઆતમાં ભાજપના ચેરમેનોમાં નારાજગી જોવા મળી
 • વિપક્ષના સભ્યોએ ચેરમેનોની નારાજગીનો શાયરીથી જવાબ આપ્યો
 • વિપક્ષના નેતાએ કારોબારી સમિતિના ચેરમેનના કલાસ લીધા
 • વ્યવસાયવેરાની ગ્રાંટ અને આવકમાં કારોબારી ચેરમેન ગુંચવાયા
 • પાલિકાના પુર્વ પ્રમુખ સુરભિ તમાકુવાલા પહેલી વખત આક્રમક જણાયા
 • સેવન એકસ નજીક શહીદ સ્મારક બનાવવા વિપક્ષની માગ
 • સાયખાની ડમ્પીંગ સાઇટ બાબતે વિપક્ષોએ શાસકોને બરાબર ઘેર્યા
 • ભાજપના નગરસેવકો હોમવર્ક કર્યા સિવાય સભામાં આવ્યા હતાં
 • 26 દિવસ બાદ ભરૂચ શહેરમાં ફરી કચરાના નિકાલની સમસ્યા થશે
 • શાસકોએ રજુઆત ન સાંભળતા વિપક્ષે કહયું : જનતા માફ નહી કરે
 • એઆઇએમઆઇએમના સભ્યોએ કહયું, અમારી રજુઆત તો સાંભળો
 • સામાન્યસભામાં માત્ર માનવતા શબ્દની જ ગુંજ જોવા મળી હતી
 • સભા સમાપ્ત કરવા માટે રાષ્ટ્રગીતનો સહારો લેવાની ફરજ પડી હતી
 • સભા દરમિયાન શાસક પક્ષના સભ્યો અન્ય ચર્ચામાં મશગુલ
અન્ય સમાચારો પણ છે...