નિવેદન વિવાદમાં:ધારાસભ્યએ કહ્યું ગ્રાન્ટના 10 કરોડ છે પણ જિલ્લામાં ખરાબ રસ્તાઓ જ નથી

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલનું નિવેદન વિવાદમાં

ભરૂચ જિલ્લામાં બિસ્માર રસ્તાના કારણે અકસ્માતમાં બે માસુમ બાળકી અને દંપતિના મોત થયા હોવા છતાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકનું રસ્તાઓ બાબતના એક નિવેદનથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. રસ્તો બનાવવા માટે પૈસા છે પણ જગ્યા નથી તેમ આડકતરી રીતે કરનારા ધારાસભ્ય ટ્રોલ થયાં હતાં.

ચોમાસાની શરૂઆતમાં રસ્તાઓ બિસ્માર બની જતાં વાહનચાલકો ભારે યાતના વેઠી રહયાં છે. તંત્ર ખાડાઓ પુરવાનો દાવો કરી રહયું છે પણ જિલ્લામાં બે ગમખ્વાર અકસ્માતમાં બે માસુમ બાળકી સહિત 4 નિર્દોષ લોકોના મોત થઇ ચુકયાં છે. આવામાં ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ એક નિવેદનના કારણે વિવાદમાં આવ્યાં છે.

ભરૂચમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સરકાર તરફથી તેમને 10 કરોડ રૂપિયાની ગ્રાંટ રસ્તાઓ માટે મળી છે પણ એક પણ એવી જગ્યા નથી જયાં 5 કરોડ રૂપિયાનો રસ્તો બનાવી શકાય. રાજય સરકારે મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ બનાવી દઇ વિકાસ કર્યો છે. ધારાસભ્યનું આ નિવેદન સોશિયલ મિડીયામાં વાયરલ થતાં તેઓ ટ્રોલ થયાં હતાં.

યુઝર્સે જણાવ્યું હતું કે નવો રસ્તો ન બને તો કઇ નહી પણ રસ્તા પરના ખાડાઓ તો પુરાવો જેથી અકસ્માતના બનાવો અટકાવી શકાય. અન્ય એક યુઝર્સે ધારાસભ્યને તેમના જ મત વિસ્તારમાં આવતાં જંબુસર ચોકડીથી કંથારીયા સુધીના રસ્તાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. દિવસ દરમિયાન ધારાસભ્યના નિવેદનનો વીડિયો ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો હતો.

આગામી દિવસોમાં રાજકારણ ગરમાશે
ભરૂચ શહેર તથા જિલ્લામાં મોટાભાગના રસ્તાઓ ચોમાસામાં ધોવાઈ ગયા છે.વાહનચાલકોને લોકોના વિરોધ બાદ ખાડાઓ પુરી ગાડું ગાબડાવામાં આવી રહ્યું છે.દર બે દિવસે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે લોકોનો મોરચો આવે છે.જેમની મુખ્ય માંગણી રસ્તાઓના રિપેરિંગની હોય છે.ધારાસભ્યના વાઇરલ થયેલા વીડિયોથી આગામી દિવસોમાં રાજકારણ ગરમાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...