વાલિયા તાલુકાના કોંઢ નજીક આવેલા એક પેટ્રોલ પંપના મેનેજરે રૂપિયા 1.71 લાખ ઉપરાંતની ઉચાપત કરી હોવાની ફરિયાદ પેટ્રોલ પંપના માલિકે વાલિયા પોલીસ મથકે નોંધાવી છે.
વાલીયા તાલુકાના કોંઢ નજીક આવેલ વિંધેશ્વરી પેટ્રોલ પંપમાં મૂળ આણંદનો અને હાલ કોંઢ ખાતે રહેતો ભાગ્યેશ દલવાડી મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. ફરજ દરમિયાન તેણે અલગ અલગ કાર્ટિંગ તેમજ એજન્સીઓના નામે પેટ્રોલ પંપના નામ પર રજીસ્ટરમાં ખોટી રકમ ઉધારી તેમજ જલારામ કાર્ટીંગની ઓફિસે રૂબરૂ જઇ બિલના 59 હજાર રૂપિયા રોકડા મેળવી તે પેટ્રોલ પંપ ના ખાતામાં જમા ન કરાવી ઉચાપત કરી હતી.
થોડા દિવસો અગાઉ તે પેટ્રોલ પંપના માલિક અનુરાગ પાંડેને પોતાની દાદી બિમાર હોવાનું જણાવી માદરે વતન ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ એકાઉન્ટ ચેક કરતા અનેક લોકોના નાણા જે બાકી હતા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તે તમામ લોકોએ મેનેજર પૈસા લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. પેટ્રોલ પંપના માલિકને ભાગ્યેશ દલવાડીએ ઉચાપત કરી હોવાનું ધ્યાન પર આવતાં તેમણે વાલિયા પોલીસ મથકમાં રૂપિયા 1.71 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. વાલિયા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ આરંભી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.