ટિકિટના દાવેદારોનું 'પેપર ફૂટ્યું':વાગરા-જંબુસર બેઠક પર BJP દાવેદારોની યાદી સોશિયલ મીડિયા પર વાઇરલ, અંતે સાંસદે કર્યો ખુલાસો

ભરૂચએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે ત્યારે કઈ બેઠક પર કોને ટિકિટ મળશે એને લઈ ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે વાગરા અને જંબુસર બેઠક પર ભાજપના દાવેદારોની યાદી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે, જેને લઈ હડકંપ મચ્યો હતો. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કોઈએ લેટરપેડનો ઉપયોગ કરીને આ બોગસ યાદી બનાવી છે.
પ્રદેશકક્ષા સુધી ભારે ખળભળાટ મચ્યો
ચૂંટણી પહેલાં ભાજપ માટે ટિકિટના દાવેદારોનું 'પેપર ફૂટ્યું' હોવાની વાતે પ્રદેશકક્ષા સુધી ભારે ખળભળાટ મચ્યો હતો. એને લઈ ભાજપને વાગરા તેમજ જંબુસર વિધાનસભા માટે ફરતી થયેલી સંભવિત દાવેદારોની યાદી બોગસ હોવાનો ફોડ પાડવાની નોબત આવી છે.

વાઇરલ થયેલી પોસ્ટ.
વાઇરલ થયેલી પોસ્ટ.

બન્ને બેઠક માટે ચાર દાવેદારનાં નામો બહાર પડાયાં
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભરૂચ જિલ્લાની 2 બેઠકની ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થતાં ભરૂચની રાજનીતિમાં ભારે હડકંપ મચી ગયો છે. એને લઈ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને ભરૂચ ભાજપના લેટરપેડ પર વાઇરલ થયેલી સંભવિત યાદીમાં જંબુસર વિધાનસભા બેઠક માટે છત્રસિંહ મોરી, કિરણસિંહ મકવાણા, બળવંતસિંહ પઢિયાર, ડી.કે.સ્વામીને ટિકિટ માટે સંભવિત દાવેદારો રજૂ કરાયા છે, જ્યારે વાગરા બેઠક માટે અરુણસિંહ રણા, ફતેસિંહ ગોહિલ, ધીરજ ગોહિલ, સંજય ચાવડા અને નકુલદેવ રણાને સંભવિત દાવેદારો તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.

સાંસદ મનસુખ વસાવા.
સાંસદ મનસુખ વસાવા.

સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો કર્યો
ભરૂચ જિલ્લા ભાજપમાં વાઇરલ થયેલી યાદીને લઈ ખળભળાટ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ આ યાદી બિલકુલ ખોટી અને તથ્યથી વેગળી ગણાવી છે. કોઈએ ભાજપના લેટરપેડનો ઉપયોગ કરી ટેક્નોલોજીની મદદથી આ કૃત્ય કર્યું હોવાનો સાંસદે પ્રતિક્રિયા આપી છે. આવું કામ કરનાર ઉત્સાહી ઉમેદવાર, મહત્ત્વાકાંક્ષી કાર્યકર કે અન્ય કોઈ જે પણ હશે તેની સામે પગલાં ભરવામાં આવશે એવી પણ સાંસદે વાત કરી છે. જોકે સાચી હકીકત ગમે તે હોય, યાદી બોગસ હોય કે પછી ભાજપનું પેપર ફૂટ્યું હોય, હાલ તો આ યાદીને લઈ ભરૂચ જિલ્લા ભાજપ તેમજ રાજકારણમાં દિવાળી પહેલાં જ આતશબાજી અને ધૂમધડાકા શરૂ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...