કાર્યવાહી:આરોગ્યના આઉટસોર્સિંગ કર્મીઓના પગાર મુદ્દે DDO કક્ષાએ તપાસ કરાશે

ભરૂચ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CDHOની કમિટી પર વિશ્વાસ ન હોય DDO કક્ષાએ તપાસ માટે રજૂઆત કરાઈ હતી

ભરૂચ જીલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આઉટસોર્સથી ફરજ બજાવતા કર્મચારીઓના પગાર બોનસ લીવ ઓન કેસ અને એરિયર્સના નાણાંમાં એજન્સીઓ દ્વારા ઉચાપત કરાઈ હોવાના આક્ષેપો સાથે કર્મચારીઓએ સોગંદનામું પર આરોગ્ય કમિશનરને ફરિયાદ કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા બે મહિના પહેલા તપાસ કમિટીની રચના કરીને કોઈ ફરિયાદી કર્મચારીનું નિવેદન લીધા સિવાય તપાસ પુરી કરી લીધી હોવાના પણ આક્ષેપો કરાયા છે.

જ્યારે અધિકારીઓ એજન્સીઓ સાથે મિટિંગ કરી બધું ભીનું સંકેલી લે એવી સંભાવનાને કારણે આઉટસોર્સિંગ કર્મચારી જયમાલા વસાવા સહિત અન્ય કર્મચારીઓએ સીડીએચઓ દ્વારા રચવામાં આવેલી કમિટી ઉપર વિશ્વાસ ન હોય ડીડીઓ કક્ષાએ તપાસ કરવા રજૂઆત કરી હતી. જે અંગે ભરૂચ ડીડીઓ દ્વારા નવી તપાસ કમિટી રચવામાં આવી છે. આ કમિટીમાં નાયબ વિકાસ અધિકારી અને આસિસ્ટન્ટ કમિશનર લેબરનો પણ સમાવેશ કરાતા કર્મચારીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

આ અંગે જયમાલા વસાવા અને ગુજરાત જનતા જાગૃતિ મંચના ભરૂચ જિલ્લા પ્રમુખ ચિરાગ સોલંકી અને ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે જણાવ્યું હતુ કે,અગાઉ કલેકટરને ફરિયાદ કરી હતી જેની તપાસમાં પણ સીડીએચઓએ યોગ્ય તપાસ કર્યા વિના એજન્સીઓને કલીનચીટ આપી દીધી હતી.પરંતુ હવે ડીડીઓ કક્ષાએ તપાસ થતા ન્યાય મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...