તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળાશયો ખાલી:નર્મદા ડેમમાં જાવક સામે નવા નીરની આવક ઘટી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના મોટા જળાશયનો સેન્ટ્રલ વોટર કમિશને જારી કરેલો રિપોર્ટ
  • નર્મદા ડેમની જળસપાટીમાં 7 દિવસમાં જ 2.06 મીટરનો ઘટાડો

જુલાઈ મહિનો શરૂ થઈ જવા છતાં વરસાદની ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં પણ ભરચોમાસે ખોટ વચ્ચે જળાશયો જ નવા નીરની આવક વગર તેજીથી જલવિહોણા થઈ રહ્યાં છે. જુલાઈ મહિનો શરૂ થઈ જવા છતાં રાજ્યમાં ચોમાસું જામતું નહિં હોવા સાથે ગુજરાતના 17 મોટા જળાશયો (ડેમ) માં ગત વર્ષ કરતા આ વખતે 1.66 લાખ કરોડ લીટર ઓછા જળસ્તર નોંધાયા છે.

ગુજરાતમાં જૂનના મધ્યભાગથી જ નેઋત્યનું ચોમાસુ સક્રિય થઈ જતા આ વખતે સારા ચોમાસાની ગત વર્ષ જેવી જ આશ બંધાઈ હતી. જૂન મહિનામાં ગત વર્ષ કરતા સારો એવો વરસાદ પણ નોંધાયો હતો. જોકે જુનના છેલ્લા સપ્તાહથી રાજ્યમાં વરસાદ ખેંચાઈ જતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ હજારો હેકટરોમાં વાવણી પણ કરી દીધી હતી. હવે ચોમાસુ લંબાઈ જતા ખેડૂતો વિમાસણમાં મુકાયા છે.

ગત વર્ષે રાજ્યના 251 તાલુકામાં 30 જૂન સુધી 15.80 % વરસાદ નોંધાયો હતો. એટલે કે રાજ્યમાં સરેરાશ વરસાદ 131.33 મિમી વરસ્યો હતો. હાલ 1 જુલાઈ સુધીમાં રાજ્યમાં 14.53 % જ વરસાદ વરસ્યો છે એટલે કે 122 મિમી વરસાદ થાય છે.રાજ્ય સરકાર દ્વારા નર્મદા ડેમના નીર ખાલી કરી 1 જૂનથી 30 જૂન સુધીમાં ગુજરાતના અન્ય જળાશયો, તળાવો ભરી દેવામાં આવ્યા હતા. સાથે જ બન્ને જળવિદ્યુત મથક ધમધમતા કરીને રોજનું 3.87 કરોડનું વીજ ઉત્પાદન સાથે કેવડિયાથી કચ્છ સુધી ખેડૂતો માટે મુખ્ય કેનાલમાં નર્મદાના જળ વેહડાવ્યાં હતા.

નવા નીરની આવક સાથે પ્રવર્તમાન ચોમાસામાં નર્મદા ડેમને ફરી 138.86 મીટરની સર્વોચ્ચ ઉંચાઈ સુધી છલોછલ ભરવાના આશ્રયથી આ કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, હવે વરસાદ ખેંચાઈ જતા અને ગુજરાત સાથે સરદાર સરોવરના ઉપરવાસ મધ્યપ્રદેશમાં પણ મેઘમહેર થતી ન હોવાથી નર્મદા ડેમ સહિત રાજ્યના મોટા 17 જળાશયોના જળ ભરચોમાસે તેજીથી ખૂટી રહ્યાં છે.

સેન્ટ્રલ વોટર કમિશન (CWC) દેશના 130 મહત્વના મોટા જળાશયો ઉપર વર્ષ 1945 થી નજર રાખે છે. 1 જુલાઈના CWC ના રિપોર્ટમાં ગુજરાતના 17 મોટા જળાશયોમાં જીવંત જળસ્તર ગત વર્ષની સરખામણી એ આ વર્ષે 1.66 BCM બિલિયન ક્યુબીક મીટર એટલે કે 1.66 લાખ કરોડ લીટર પાણીની ઘટ જળાશયોમાં વર્તાઈ રહી છે.

રાજ્ય સહિત ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ વરસાદ નહિં થતાં સરદાર સરોવરમાં ગત વર્ષ કરતા ઓછો જીવંત જથ્થો
ડેમમાં હાલ 34 હજાર કરોડ લીટર પાણીનો જથ્થો
CWC ના રિઝેવીયર વિકલી બુલેટિન મુજબ સરદાર સરોવર નર્મદા ડેમની લાઈવ કેપેસિટીની કુલ ક્ષમતા 5.760 BCM છે. જેની સામે નર્મદા ડેમમાં હાલ જીવંત પાણીનો જથ્થો 0.340 BCM એટલે કે 34 હજાર કરોડ લીટર છે. જલવિદ્યુત મથકો છેલ્લા 1 મહિનાથી ધમધમતા હોય ડેમની સપાટી છેલ્લા 1 સપ્તાહમાં જ 2.06 મીટર ઘટી 113.34 મીટર થઈ છે.

ડેમના પગલે નર્મદા, સાબરમતીમાં સારા પ્રમાણમાં જળ
સરદાર સરોવરમાંથી છેલ્લા 1 મહિનાથી રાજ્યના જળાશયો, નદીઓ, તળાવોમાં પાણી વ્હેડાવવામાં આવ્યા હોવાથી હાલ નર્મદા નદી સહિત સાબરમતીમાં સારી માત્રામાં પાણીનો પ્રવાહ છે. ઉપર્વસમાંથી ડેમમાં હાલ 4554 ક્યુસેક પાણીની આવક સામે RBPH 2796, CHPH 6005 ક્યુસેક પાણી ખર્ચ કરી રહ્યું છે. ગોડબોલે ગેટમાંથી નદીમાં 619 ક્યુસેક જ્યારે મુખ્ય કેનાલમાં 6162 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આમ આવક સામે જાવક 9577 ક્યુસેક હોવાથી ડેમની સ્પતિમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...