ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં એકાએક વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં રોકેટ ગતિએ વધારો નોંધાતા સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. કોરોનાની બીજી વેવ પૂર્ણ થવાને આરે છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં ખાલી પડેલી હોસ્પિટલના બેડ પુનઃ એક વાર દર્દીઓથી ભરાઇ રહ્યા છે. હાલ વરસાદ પાછો ખેંચાઈ રહ્યો છે અને દિવસના આકરી ગરમી જ્યારે બપોર બાદ ભેજ અને ધુડિયું વાતાવરણ સર્જાતા શહેરિજન શરદી ખાંસી અને તાવની ફરિયાદો ઉઠી રહી છે. ગરીબ દર્દીઓ સરકારી દવાખાનાના આંગણે તો મધ્યમવર્ગીય અને માલેતુજાર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પોહચી રહ્યા છે.
બીજી તરફ ભરૂચની ખાનગી લેબોરેટરીમાં પણ લોહી અને પેશાબના પરીક્ષણ માટે રોજના દર્દીઓની કતારો જામી રહી છે. ભરૂચની અમી લેબોરેટરીના ડો કૌશલ જેસલપુરાના જણાવ્યા અનુસાર ભરૂચમાં રોજના નવા વાઇરલ કેસની સાથો સાથ ડેન્ગ્યુ અને મેલેરીયાના પણ એકલ દોકલ કેસ આવી રહ્યા છે.
ભરૂચની જીવનજ્યોત હોસ્પિટલના તબીબ ડો.કેતન દોશીના જણાવ્યા અનુસાર, હાલ રોજના નવા આવતા દર્દીઓ પૈકી 50%થી વધુ વાઇરલ ઇન્ફેક્શનના વાહક હોઈ છે. વાઇરલ ઇન્ફેક્શન વાળા દર્દીએ વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ આરામ કરવો જોઇએ અને નિયમિત રીતે દવાઓ લેવી જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.