ભરૂચ જિલ્લાની વિધાનસભાની તમામ પાંચ બેઠકો પર કમળ ખીલ્યું છે. એક તબક્કે ભરૂચમાં પાંચ બેઠક પૈકી 2 બેઠક ભાજપને, 2 કોંગ્રેસ તેમજ એક અપક્ષ (છોટુ વસાવા)ને મળે તેવી ચર્ચા જોરપર હતી. જોકે, આજે મત ગણતરી બાદ તમામ ચર્ચાઓનો અંત આવી ગયો હતો. ભરૂચ જિલ્લામાં પાંચેય બેઠકો પર કુલ 12755 મત નોટાને મળ્યાં છે. જેમાં સૌથી વધુ ઝઘડિયામાં નોટાને 3012 મત પડ્યાં છે.
ભરૂચ જિલ્લો 8 મી ડિસેમ્બરે મતગણતરી બાદ ભગવા રંગમાં રંગાઇ ગયો હતો. જિલ્લાની તમામ પાંચ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. વિધાનસભાની બેઠકોના મતદારોએ પોતપોતાના પસંદગીના ઉમેદવારો પર મહોર લગાવી હતી. જોકે, જિલ્લાભરમાં કુલ 12755 મતદારોએ નોટાનું બટન દબાવી ચૂંટણીમાં ઉભા રહેલાં એક પણ ઉમેદવાર તેમની પસંદગી પર પુરા ઉતરતાં ન હોવાનું દાખવી દીધું હતું. જિલ્લાની ઝઘડિયા બેઠક પર સૌથી વધુ 3012 નોટાને મત પડ્યાં હતાં. જ્યારે સૌથી ઓછા જંબુસરમાં 2273 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું.
ભરૂચ વિધાનસભાની પાંચ બેઠકો માટે થયેલા મતદાનમાં કેટલાય મતદારોએ નન ઓફ અબોવ એટલે કે નોટાને મત આપવાનું પસંદ કર્યું છે. ચાલુ વર્ષે વિજેતા ઉમેદવારોની લીડ 10 હજાર કરતાં પણ વધારે હોવાથી નોટાના મતની કોઇ અસર જોવા મળી ન હતી. જો કોઇ મતદાર કોઇ પણ ઉમેદવારને મત આપવા ન માંગતો હોય તો તે નોટાને મત આપી શકે છે.ભરૂચની પાંચ બેઠકો પર મતદારોએ આખુ ચિત્ર જ બદલી નાંખ્યું છે. ભરૂચ જિલ્લાના મતદારોએ સૌથી વધારે મત ભાજપના ઉમેદવારોને આપ્યાં છે. મતદારોએ કરેલાં મતદાનની સરખામણીએ નોટામાં થયેલાં મતદાનની ટકાવારી નહિવત રહેતાં તેની પરિણામ ઉપર કોઇ અસર જોવા મળી ન હતી. દરેક બેઠક પર નોટાના મત નોંધાયાં હતાં.
વિધાનસભાની બેઠક પર નોટાને મતદાન
ભરૂચ | 2722 |
અંક્લેશ્વર | 2327 |
જંબુસર | 2273 |
વાગરા | 2421 |
ઝઘડિયા | 3012 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.