ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સરકારે જમીનો તો લઇ લીધી પણ સ્થાનિકોને નોકરી આપવામાં ઠેંગો

નર્મદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લામાં મોટા ઉદ્યોગો નહિ હોવાથી લોકો ખેતી અને પર્યટનના વ્યવસાય પર નિર્ભર

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં કોઇ મોટા ઉદ્યોગો નથી અને લોકો ખેતીવાડી પર નિર્ભર છે. કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ કેવડીયામાં લાખો પ્રવાસીઓ આવી રહયાં છે પણ રાજપીપળાનો વિકાસ રૂંધાયો હોય તેમ લાગી રહયું છે. અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચે દોડતી ટ્રેનને કેવડીયા સુધી લંબાવવાના બદલે બંધ કરી દેવામાં આવી છે.

કેવડીયામાં દેશના મોટા શહેરોમાંથી ટ્રેનો આવે છે પણ રાજપીપળા બાયપાસ થઇ ગયું હોવાથી રાજપીપળાના વેપારીઓનો ધંધો પડી ભાંગ્યો છે. રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની વાત પણ હજી કાગળ પર રહી ગઇ છે.

વિધાનસભાની ચુંટણીના પડધમ વાગી ચુકયાં છે ત્યારે મતદારો પણ નેતાઓને સબક શીખવાડવાના મિજાજમાં દેખાય રહયાં છે. નર્મદાની નાંદોદ અને ડેડીયાપાડા બેઠક માટે તારીખ પહેલી ડીસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે ચૌરે અને ચૌટે ચુંટણીની વાતો થઇ રહી છે.

ભીલવસી: સિંચાઇના પાણીની સમસ્યા
નર્મદા જિલ્લાના ભીલવસી ગામની વાત કરવામાં આવે તો આ ગામના મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે. આ ગામમાં તડવી સમાજના લોકોની સંખ્યા વધારે છે. આ ગામમાં ચુંટણી હોય તેવું ખાસ લાગતું ન હતું. ડુંગરાળ વિસ્તાર હોવાથી અહીં ઠંડીનું જોર વધારે રહે છે તેથી લોકો પોતાના ઘરોમાં હતાં. ચૂંટણી પ્રચારની એક બે ઘરોમાં બેઠકો જામી હતીઆગેવાનો ભેગા થયા અને મત મંગાવાની શરૂઆત થઇ પ્રચાર નીવાત થઇ એટલે બીજા પ્રશ્નો
છોડી એક વૃદ્ધે તેમની વ્યથા ઠાલવી હતી. અમારી આખી જિંદગી પાણીની રાહ જોવામાં ગઈ, હવે કેનાલમાં
પાણી આવે એવું કરજો.

રાજપીપળાઃ તલકેશ્વર તરફનો રસ્તો બનાવે તેને જ કાછીયાવાડના ખેડૂતો મત આપશે
મતદારો જાણે છે કે ચૂંટણી ટાણે વાયદાઓ ચાલતા હોય છે પણ પાછળથી જીતે તે કરે છે એ વાત પણ છે. રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાં અંબામાતાના મંદિરે ખુરશીઓ ગોઠવી બેઠેલા ખેડૂતોએ એક સુર કર્યો કે હજુ અમારા વિસ્તારોમાં એક પણ પાર્ટીના ઉમેદવાર પ્રચાર માટે આવ્યા નથી. કરજણ નદીના કિનારાનું ધોવાણ થતા જે તલકેશ્વર મંદિર અને રસ્તો ધોવાઈ ગયો છે તે નવો જે બનાવે તેને મત આપીશું.

નવાગામઃ સ્થાનિકોને નોકરીઓ મળે એવી યુવા વર્ગની આશા
ગરુડેશ્વર તાલુકાનો વિકાસ થયો પણ સ્થાનિકોનો વિકાસ થયો નથી. ચૂંટણી પ્રચાર કરવા જતા ઉમેદવારો અને આગેવાનો સામે આવી રહ્યો છે. નવાગામના લોકોની મુખ્ય સમસ્યા રોજગારીની જોવા મળી છે. તેમની જમીનો સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેકટો માટે સંપાદિત કરી દેવામાં આવી છે. આ ગામના લોકો કહે છે કે, અમને લારીગલ્લા કાઢી રોજગારી કરવા દો, અમારા છોકરાઓને અભ્યાસ પ્રમાણે નોકરી આપો અને સ્થાનિકો સિવાય બહારથી કર્મચારીઓ લાવશો નહી. સરકારે અમારી જમીનો વિવિધ પ્રોજેકટમાં લઇ લીધી છે પણ સ્થાનિકોને નોકરી આપવામાં આવતી નથી.

વડિયાઃ ચૂંટણીના સમયે ધાર્મિક કાર્યક્રમોમાં નેતાઓના આંટાફેરા એકદમ જ વધી ગયાં
મતદારોને રીઝવવા કોઈ પણ પ્રકારે રાજકીય પાર્ટીઓ દોડતી હોય છે ત્યારે નાંદોદ તાલુકાના વડિયા ગામે કાલભૈરવ જયંતીના દિવસે ભંડારાનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું જેમાં પણ રાજકીય નેતાઓ જોવા મળ્યાં હતાં. રાત્રીના ડાયરામાં પણ જોવા મળ્યા પરંતુ કોઈ રાજકીય વાત નહિ ચૂંટણી પ્રચાર નહીં બસ પોતાની હાજરીથી પણ ચૂંટણી પ્રચાર થતા હોય છે. દરેક જગ્યાએ માંગો અને ફરીયાદો નથી ચાલતી સંબંધો દ્વારા સીધો નાતો પ્રજા સાથે જોવા મળતો હોય છે.

બોરિયા: અડધી રાત્રે જેમ વોટ લેવા આવ્યા તેમ અમે મુશ્કેલીમાં હોય ત્યારે પણ આવજો
સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ પરનું આ ગામ સમૃદ્ધ છે. શિક્ષણ આરોગ્ય અને પાયાની તમામ સુવિધાઓથી સજ્જ આ ગામના લોકોને કામ કરે એવો નેતા જોઈએ છે. લોકો કહે છે અગાઉ ઘણા નેતાઓ આવી ચુકયાં છે. નેતા જે પાર્ટીનો હોય તો સરકાર બીજી પાર્ટીની હોવાથી તકલીફો પડે છે. ચુંટણી ટાણે નેતાઓ જેમ અડધી રાત્રે વોટ માંગવા આવે છે એવીજ રીતે અડધી રાત્રે ગ્રામજનો પર સંકટ આવે તો ઉભો રહે તેવો ધારાસભ્ય જોઈએ એવું ગ્રામજનોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...