તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાસૂસીકાંડ:ગોધરાના જાસૂસે નેવીના બે ખલાસીનાં બેંક ખાતાંમાં 9 હજાર ટ્રાન્સફર કર્યા હતા

ભરૂચ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇમરાન ગિતેલી કાપડના ધંધાના બહાને 5 વાર પાકિસ્તાન પણ જઈ આવ્યો હતો. - Divya Bhaskar
ઇમરાન ગિતેલી કાપડના ધંધાના બહાને 5 વાર પાકિસ્તાન પણ જઈ આવ્યો હતો.
  • પાકિસ્તાની જાસૂસોને વિશાખાપટ્ટનમસ્થિત ભારતીય નૌકા જહાજો, સબમરીન અને સંરક્ષણ મથકોની માહિતી પહોંચાડવાના પ્રકરણનું કનેકશન પંચમહાલમાં નીકળ્યું
  • ગોધરાનો રિક્ષાચાલક ઇમરાન ગિતેલી એક વર્ષે ઝડપાયો
  • પાકિસ્તાની આકાઓના ઇશારે નૌકાદળના જવાનોનાં ખાતાંમાં રૂપિયા જમા કરાવતો હતો
  • એક ખલાસીના ખાતામાં રૂા. 5 હજાર અને બીજાના ખાતામાં રૂા. 4 હજાર જમા કરાવ્યા હોવાના દસ્તાવેજ એનઆઇએને મળ્યા

વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ગોધરાના રિક્ષાચાલક ઇમરાન ગિતેલીને એક વર્ષે ઝડપી લીધો છે. ઇન્ડિયન નેવી અને સબમરીનની અત્યંત સંવેદનશીલ માહિતી એકત્રિત કરી પાકિસ્તાન આઇએસઆઇ સુધી પહોંચડવામાં કડીરૂપ ગોધરાના જાસૂસના બેંક ખાતામાંથી નેવીના બે ખલાસીને રૂા. 5 હજાર અને રૂા. 4 હજાર મળી કુલ રૂા. 9 હજાર ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

સૂત્રો અનુસાર ગિતેલી પાસે હવાલાના લાખો રૂપિયા આવ્યા
ભારતની નેવી શિપ સબમરીન અને ડિફેન્સની મહત્ત્વની જગ્યાઓની જાસૂસી કરવા પાકિસ્તાન આઇએસઆઇએ ષડ્યંત્ર ગોઠવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરાસ્થિત પોલન બજારના વાલી ફળિયામાં રહેતા ઇમરાન ગિતેલીની પણ આમાં સંડોવણી બહાર આવી હતી. રિક્ષા-ડ્રાઇવિંગ અને કપડાંના વેપારની આડમાં ગિતેલી પણ આ ષડયંત્રમાં સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. કપડાંના વેપારના બહાને તે પાકિસ્તાની આકાઓના ઇશારે ભારતીય નેવીના કર્મચારીઓનાં બેંક ખાતાંમાં રૂપિયા જમા કરાવતો હતો. સૂત્રો અનુસાર ગિતેલી પાસે હવાલાના લાખો રૂપિયા આવ્યા હતા.

જે પૈકી નેવીના બે ખલાસીનાં ખાતાંમાં રૂા. 5 હજાર અને રૂા. 4 હજાર મળી કુલ રૂા. 9 હજાર જમા કરાવ્યા હતા. એનઆઇએની તપાસમાં આ બહાર આવતાં તે રડારમાં આવ્યો હતો. એનઆઇએની ટીમ તેનું સતત મોનિટરિંગ કરી રહી હતી. સોમવારે રાત્રે ટીમ સ્થાનિક ગોધરા એસઓજીની મદદથી તેની ધરપકડ કરી હૈદરાબાદ લઇ ગઇ છે. ગિતેલી ગોધરામાં બેઠાં કેવી રીતે જાસૂસીનું નેટવર્ક ચલાવતો હતો તેમજ તેની સાથે ગોધરા, ભરૂચ કે અન્ય કોઇ જિલ્લાના શખ્સો સંડોવાયેલા છે કે કેમ તેની પૂછતાછ ચાલી રહી છે.

ઇમરાનના ઘરમાંથી ડિજિટલ ડિવાઇસ સહિત મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા
વિશાખાપટ્ટનમમાં વર્ષ 2019માં નેવી જાસૂસીકાંડની ફરીયાદ નોધાતાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ તપાસ હાથ ધરી હતી. NIAની તપાસમાં જાસૂસીકાંડનું કનેકશન ગોધરા સુધી પહોચ્યું હતું. ગોધરાના પોલનબજાર વાલી ફળીયાના 38 વર્ષીય રીક્ષા ચાલક ઇમરાન યાકુબ ગિતેલી પર વોંચ ગોઠવી હતી. NIAની તપાસમાં ઇમરાનનું પાકિસ્તાન કનેકશન અને મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની ચોકાવનારી વિગતો આવી હતી. નેવી જાસૂસી કાંડમાં તેનુ નામ બહાર આવતાં NIA પોલીસ અને ગોધરાની એસઓજી પોલીસે તેના ઘરેથી સોમવારે ઇમરાન ગિતેલીની ધરપકડ કરીને હૈદરાબાદ ખાતે લઇ ગયા હતા. NIA એ ઇમરાન ઘરેથી સર્ચ કરીને ડિજિટલ ડિવાઇસ અને મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા હોવાનું એનઆઇએ તરફથી જાણવા મળી રહ્યું છે.

ઈમરાને ધંધાના બહાને પાક.ના ફેરા માર્યા હતા
રિક્ષા ચાલક ઇમરાન તેના માતાપિતા, ભાઇ , પત્ની અને ચાર સંતાનો સાથે રહેતો હતો. કેટલાક સંબધી પાકિસ્તાનમાં રહેતા હોવાથી ઇમરાને પાકિસ્તાનના 5 થી 6 વખત ફેરા માર્યા છે. તે પાકિસ્તાનથી રેડીમેડ કાપડ મંગાવીને વેચાણ કરતો હતો. સ્થાનિકોને તે ફક્ત રીક્ષા ચાલક જ હોવાની ખબર હતી. પરિવાર પણ અજાણ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

NIAએ મહિના પહેલાં જ નિવેદન લીધું હતું
જાસૂસી કાંડમાં NIA એ ગોધરા એસઓજીને ઇમરાન અને તેના રહેઠાણ પર વોંચ રાખવા જણાવ્યું હતું. તે અગાઉ કોઇ પણ ગુનાહીત રેકોર્ડ ધરાવતો ન હતો. એસઓજીને તેની ગતિવિધિઓ તેમજ રજેરજની માહિતી આપવા જણાવ્યું હતું. મહિના પહેલાં જ NIA ગોધરા આવીને ઇમરાન ગિતેલીનું નિવેદન લઇ તપાસ હાથ ધરતાં તેના ખાતામાંથી આશરે 5 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી હોવાની માહિતી મળતાં ધરપકડ કરી હતી.

કચ્છના 2 પોલીસકર્મીની પણ પૂછતાછ કરાઈ હતી
નેવીના જવાનોને હનીટ્રેપમાં ફસાવી વિશાખાપટ્ટનમ નેવેલ બેઝની સંવેદનશીલ માહિતી એકત્રિત કરવાના બનાવમાં અગાઉ આંધપ્રદેશ એટીએસ અને એનઆઇએની ટીમે કચ્છમાં ધામા નાખી નખત્રાણાના એએસઆઇ અને કચ્છના લોકરક્ષકની પૂછતાછ કરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બેંક ટ્રાન્જેક્શનમાંથી એક એકાઉન્ટ અબડાસાની બેંકનું હોવાનું પણ બહાર હતું.જોકે, તે સમયે તેમની કોઇ ભૂમિકા સ્પષ્ટ થઇ ન હતી.

ફેસબુક ફ્રેન્ડ મહિલાઓ પાકિસ્તાનના ઇશારે નાવિકોને બ્લેકમેલ કરી માહિતી આપવા મજબૂર કરતી હતી
સૂત્રો અનુસાર, નેવીના કેટલાક કર્મચારી ફેસબુક, વોટ્સએપ વગેરે જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાની મહિલાઓના સંપર્કમાં આવ્યા હતાં. ફેસબુક ફ્રેન્ડ મહિલાઓ પાકિસ્તાનના ઇશારે સોશિયલ મીડિયા પર સેેક્સુયઅલી ચેટ કરીને ફસાવતી હતી. ત્યારબાદ નાવિકોને બ્લેકમેલ કરાયા અને તેમને સંવેદનશીલ માહિતી આપવા માટે મજબૂર કર્યા હતા. માહિતી આપવાના બદલામાં હવાલા ઓપરેટરના માધ્યમથી નાણાની ચૂકવણી કરાતી હતી.

અન્ય સમાચારો પણ છે...