તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખું રક્તદાન:અંકલેશ્વરમાં એક શ્વાને બીજા શ્વાનને લોહી આપી જીવ બચાવવાનો પ્રથમ કિસ્સો

ભરૂચ3 મહિનો પહેલા
  • રક્તદાન મહાદાનનો મહામુલો સંદેશો મનુષ્યને આપતા સૌથી વિશ્વાસુ મિત્ર

ભરૂચ જિલ્લામાં એક શ્વાને લોહી આપી બીજા શ્વાનનો જીવ બચાવ્યો હોવાનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વરના તબીબ નિલેશ દેસાઈના પુત્ર ઉપર ભરૂચની નંદેલાવ સોસાયટીમાંથી એક કોલ આવ્યો હતો. તબીબ પાસે દોઢ વર્ષનું સાયબેરીયન હસ્કી શ્વાન હોય ભરૂચમાં આ જ જાતિના શ્વાનના બચ્ચાનો જીવ બચાવવા લોહીની તાતી જરૂરિયાત વર્તાઈ હતી. વિટી નામના શ્વાનને ઇન્ફેક્શનના કારણે શરીરમાં લોહી ઘટી માત્ર 2 મિલી થઈ ગયું હતું.

માનવતાની દ્રષ્ટિએ તેનો જીવ બચાવવા તુરંત અંકલેશ્વરના તબીબના આજ બ્રિડના પાલતુ શ્વાનના શરીરમાંથી લોહી આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 50 મિલી બ્લડ એકત્ર કરી ભરૂચના વિટી ને ચઢાવી તેનો જીવ વેટરનીટી તબીબ ડો. કૃણાલ લેઉવા દ્વારા બચાવી લેવાયો હતો. માનવીના સૌથી વિશ્વાસુ મિત્રએ રક્તદાન મહાદાનનું મહત્વ સમજાવી ભરૂચમાં એક શ્વાન દ્વારા બીજા શ્વાનને બ્લડ ડોનેટ કરી નવી મિશાલ આપી છે. જિલ્લામાં હજી સુધી પશુઓ માટે બ્લડ બેંકની કોઈ વ્યવસ્થા નથી ત્યારે આ પ્રથમ કિસ્સાએ અનોખી પ્રેરણા પ્રદાન કરી છે.

પશુને બ્લડની જરૂર પડે તેવો પ્રથમ જ કિસ્સો સામે આવ્યો
ભરૂચ જિલ્લામાં સરકારી એક વેટરનિટી હોસ્પિટલ આવેલી છે. જોકે, ત્યાં પશુઓની સારવાર માટેની પુરતી સુવિધાનો અભાવ જોવા મળે છે. પશુઓની નાની-મોટી બિમારીઓ માટેની સારવાર ઉપ્લબ્ધ થાય છે. જોકે, ગંભીર કિસ્સાઓમાં પશુઓની યોગ્ય સારવાર માટેનો પ્રશ્ન સર્જાતો રહે છે. જેના કારણે મોટાભાગના લોકો તેમના પશુઓને સારવાર માટે વડોદરા-સૂરત જેવા મોટા શહેરોમાં લઇ જતાં હોય છે. ત્યારે જિલ્લામાં પશુઓને યોગ્ય સારવાર મળી રહે તેવી સુવિધા ઉભી કરવામાં આવે તેમ પશુપ્રેમીઓએ જણાવ્યું હતું

ભરૂચમાં પશુઓ માટેની બ્લડ બેન્ક ઉભી કરવાની લોકમાંગ
વિદેશમાં શ્વાન સહિતના અન્ય પશુઓ માટે ખાસ બ્લડ બેન્ક હોય છે. આવા સંજોગોમાં ત્યાંથી તેમને જરૂરી લોહી મળી રહેતું હોય છે. જોકે, ગુજરાતમાં આ પ્રકારની કોઇ વ્યવસ્થા અંગે પશુપ્રેમીઓને સુધ્ધા જાણકારી નથી. ભરૂચમાં વેટરનીટી દવાખાનામાં પણ પુરતી સહૂલિયતો ન હોવાને કારણે પશુઓની સારવાર માટેનો પ્રશ્ન સર્જાય છે. ત્યારે ભરુચમાં પશુઓ માટેના બ્લડ બેન્કની સુવિધા ઉભી કરાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...