ભરૂચની 5 બેઠકનું એનાલિસિસ, એક ક્લિક પર:પાંચેય બેઠકો પર ભાજપનો જ દબદબો; કોંગ્રેસ અને આપને પછાડી ઝઘડિયામાં પ્રથમ વખત કમળ ખીલ્યું

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાં ભરૂચની પાંચ બેઠકોની મતગણતરી શહેરની કે.જે.પોલીટેકનીક ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં મતગણતરી પૂર્ણ થયા બાદ હવે પરિણામ સામે આવ્યા છે. જેમાં ભરૂચ જિલ્લાની બધીજ બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો છે. જંબુસર બેઠક પર ડી.કે. સ્વામીની ભવ્ય જીત. વાગરા બેઠક પર ભાજપના ઉમેદવાર અરૂણસિંહ, ઝઘડિયામાં ભાજપના રિતેશ વસાવા, ભરૂચમાં ભાજપના રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરમાં ભાજપના ઉમેદવાર ઈશ્વર પટેલે કમાન સંભાળી ભાજપની જીતની નૈયા પાર પાડી કોંગ્રેસ અને આપનો ભરૂચમાંથી સફાયો કર્યો છે.

જિલ્લામાં સરેરાશ 67 ટકા મતદાન થયું હતું
ભરૂચ જિલ્લામાં કુલ 12 લાખ 67 હજાર 499 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 8 લાખ 51 હજાર 695 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની પાંચ બેઠકો પર સરેરાશ 67.19 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 73.42 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 6.23 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

બેઠક વાઈઝ ટોટલ મતદાનની ટકાવારી

બેઠકનું નામ2017નું મતદાન2022નું મતદાન
જંબુસર70.55%67.53%
વાગરા77.03%71.73%
ઝધડિયા81.44%76.20%
ભરૂચ67.64%58.27%
અંકલેશ્વર71.31%63.97%

બેઠક વાઈઝ 2022માં પુરૂષ અને સ્ત્રીઓએ કરેલું મતદાન

બેઠકનું નામપુરૂષ મતદારોસ્ત્રી મતદારો
જંબુસર8700076305
વાગરા8371375976
ઝધડિયા10191895374
ભરૂચ9020080814
અંકલેશ્વર8580774588
ટોટલ મતદારો448638403057

મતગણતરી પહેલાનું જિલ્લાનું બેઠક વાઈઝ એનાલિસિસ
જંબુસર બેઠકની સ્થિતિ
જંબુસર સીટ પર આ વખતે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા સીટિંગ ધારાસભ્ય સંજય સોલંકી મેદાને છે. જ્યારે ભાજપ તરફથી ડી.કે.સ્વામી મેદાનમાં ઊતર્યા છે. આ વિસ્તારમાં 92 હજાર મત કોળી સમાજના છે, જે કોંગ્રેસના સંજય સોલંકીની તરફેણમાં ઊભા રહી શકે છે, જ્યારે 55 હજાર મુસ્લિમ મત છે, જેમાંથી મોટાભાગના મત કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે. કિરણ મકવાણા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને તેમને ટિકિટનું પ્રોમિસ પણ આપવામાં આવ્યું હતું. જોકે ભાજપે ટિકિટ ન આપતાં તેઓ પોતે અને કોળી સમાજ નિરાશ થઈને નિસ્ક્રિય થઈ ગયો હતો. જેની અસર મતદાનમાં પણ થઈ હતી અને મતદાન પાંચ ટકા જેટલું ઘટ્યું હતું. બીજી તરફ, કોંગ્રેસના સંજય સોલંકી નિર્વિવાદ છે. ટૂંકમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈટ ફાઈટ છે.

વાગરા બેઠકની સ્થિતિ
વાગરાની સીટ હંમેશાં ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ સમાન હોય છે. દર ચૂંટણીમાં અહીં રસાકસી જામે છે અને સાવ ઓછા માર્જિનથી હાર-જીતનો ફેંસલો થાય છે. આ વખતે ભાજપના ઉમેદવાર અરુણસિંહ રાણા ભરુચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપર્ટિવ બેંકના ચેરમેન છે અને તેઓએ ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે એમાં કાપ આવી શકે છે, કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાગરા મતવિસ્તારમાં આવતા અમોદમાં રેલી યોજી રામમંદિર સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા, જેના કારણે મુસ્લિમો નિરાશ થઈને ભાજપના અરુણસિંહ રાણાને મત આપવાથી અળગા રહ્યા હોઈ શકે છે. બીજી તરફ સુલેમાન પટેલની છબિ સારી છે અને મુસ્લિમોમાં ફેવરિટ છે. વાગરામાં ગઈ વખતની તુલનાએ મતદાન પણ આ વખતે વધ્યું હતું. આ ઉપરાંત ભરૂચનાં 3-4 ગામો વાગરા બેઠકમાં ભેળવવામાં આવ્યાં છે. ટૂંકમાં, અહીં નેક ટુ નેક ફાઈટ છે, જેમાં પલડું કોઈપણ બાજુ નમી શકે છે. ભાજપની જીતની શક્યતા 51 ટકા તો કોંગ્રેસની જીતની શક્યતા 49 ટકા કહી શકાય.

ઝઘડિયા બેઠકની સ્થિતિ
ઝઘડિયામાં બીજું કોઈ ન ચાલે, ચાલે તો માત્રને માત્ર છોટુભાઈનું ચાલે. આ સ્લોગન આ વખતે પણ સાચું પડી શકે છે. શરૂઆતમાં પરિવારનો ઝઘડો બહાર આવતાં વસાવા પરિવાર મુશ્કેલીમાં જાણાતો હતો. દીકરા મહેશ વસાવાએ ફોર્મ પાછું ખેંચી લેતાં છોટુભાઈનો રસ્તો સાફ થઈ ગયો હતો. છેલ્લી ઘડીએ પરિવાર એક થઈ જતાં બીટીપીના સિમ્બોલ વગર પણ છોટુભાઈની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. અહીં મતદાન પણ સૌથી વધુ થયું હતું. જોકે ભાજપના રિતેશ વસાવા થોડીક ફાઈટ જરૂર આપશે. એટલું જ નહીં, છોટુભાઈને દર વખતની જેમ આ વખતે જંગી લીડ નહીં મળે. જ્યારે કોંગ્રેસના ફતેહસિંહ વસાવાને પણ રેસમાંથી બાકાત ના કરી શકાય. જ્યારે આપનાં ઉર્મિલા ભગત પણ આ વખતે પોતાનો દમ અજમાવશે.

ભરૂચ બેઠકની સ્થિતિ
ભરુચ બેઠક ભાજપનો કિલ્લો ગણાય છે. ભાજપે આજથી 15 વર્ષ પહેલાં એ વખતના સીટિંગ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ટિકિટ આપી દુષ્યંત પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. હવે ફરી સમયનું ચક્ર ફર્યું છે. ભાજપે આ વખતે સિટિંગ ધારાસભ્ય દુષ્યંતની ટિકિટ કાપી ફરી રમેશ મિસ્ત્રી પર ભરોસો વ્યક્ત કર્યો છે. સામે કોંગ્રેસે જૂના જોગી જયકાંત પટેલને ટિકિટ આપી છે. ભરૂચ વિધાનસભા મતવિસ્તારમાં અંકલેશ્વરનાં 17 ગામનો પણ સમાવેશ થાય છે. આ બધી કહાનીનો અંત ટૂંકમાંજ આવશે અને મતગણતરીમાં ભરૂચ બેઠક પરના ધારાસભ્ય નક્કી થઈ જશે.

અંકલેશ્વર બેઠકની સ્થિતિ
અંકલેશ્વરમાં બે સગા ભાઈઓ વચ્ચે જંગ ખેલાયો છે. અંકલેશ્વર પરંપરાગત રીતે ભાજપની બેઠક છે. આ વખતે પણ અહીં ભાજપના ઈશ્વર પટેલ મેદાન મારી શકે છે. સામે કોંગ્રેસે તેમના ભાઈ વિજયસિંહને ટિકિટ આપી છે. વિજયસિંહ આમ તો રાજકારણમાં બહુ સક્રિય નહોતા. બંનેના પિતા ઠાકોરભાઈ પટેલ મૂળ કોંગ્રેસી હતા. જોકે ઈશ્વર પટેલ અનેક વર્ષોથી ભાજપ સાથે છે અને પાંચ ટર્મથી જીતતા આવે છે. અંકલેશ્વરના જીઆઈઆઈડીસી વિસ્તાર અને શહેરી વિસ્તારમાં દર વખતે ભાજપને જંગી લીડ મળતી હોય છે. ટૂંકમાં અંકલેશ્વર સીટ ભાજપ જાળવી રાખશે કે અન્ય પાર્ટી બાજી મારશે તે હવે આવનારો સમય જ બતાવશે.

જિલ્લાની 2017ની સ્થિતિ
ભરૂચ જિલ્લામાં 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 3, કોંગ્રેસે 1 જ્યારે બીટીપીએ 1 બેઠક પર કબજો મેળવ્યો હતો. જ્યાં જંબુસર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકી, વાગરામાં ભાજપના અરૂણસિંહ રાણા, ઝધડિયામાં બીટીપીના ઉમેદવાર છોટૂભાઈ વસાવા, ભરૂચમાં ભાજપના દુષ્યંત પટેલ, જ્યારે અંકલેશ્વરમાં ભાજપના જ ઉમેદવાર ઈશ્વર પેટેલે બાજી મારી હતી.

અન્ય સમાચારો પણ છે...