ચૂંટણીનું ફાઈનલ કાઉન્ટ ડાઉન:જિલ્લામાં 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પ્રચાર-પ્રસારના પડઘમ શાંત, 1176 સરપંચ અને 6987 સભ્ય પદના ઉમેદવારોનું રવિવારે ભાવિ નક્કિ થશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતો માટે 7.24 લાખ મતદારો લગાવશે મહોર
  • તંત્રની તૈયારીઓ પૂર્ણ, શનિ-રવિ એમ બે દિવસ ભરૂચ ડિવિઝનની 153 બસો ફાળવાઈ
  • સરપંચ માટે ગુલાબી અને સભ્ય માટે સફેદ મળીને 15 લાખથી વધુ બેલેટ પેપરનો ઉપયોગ થશે

ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર રવિવારે 413 ગ્રામ પંચાયતોની ચૂંટણી તટસ્થ, ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા સજ્જ બન્યું છે. દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી ચૂંટણીને લઇ ચાલતા જાહેર પ્રચાર પડઘમ આજે શુક્રવારે સાંજથી શાંત પડ્યા છે. હવે ઉમેદવારોએ ડોર-ટુ-ડોર પ્રચાર હાથ ધર્યો છે.

બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 1176 સરપંચ અને 6987 સભ્ય ઉમેદવારો માટે યોજાનારી ચૂંટણીમાં તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવાઈ છે. ચૂંટણી ફરજમાં 5328 કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવવાનો છે. જ્યારે 878 મતદાન મથકો ઉપર તમામ વ્યવસ્થાનું આયોજન કરી દેવાયું છે. ચૂંટણી પ્રક્રિયા માટે ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા 153 બસોની શનિ અને રવિવાર માટે ફાળવણી કરાઈ છે. રવિવારે યોજાનારી ચૂંટણીમાં 7.24 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જે માટે સરપંચ માટે ગુલાબી અને સભ્ય માટે સફેદ મળી 15 લાખથી વધુ બેલેટ પેપરનો ઉપયોગ થશે.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કુલ 483 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી, જેમાં 62 સમરસ બની હતી. જ્યારે 17 સરપંચો અને 738 સભ્યો અંશતઃ બિનહરીફ રહ્યાં છે. પંચાયતોની ચૂંટણીઓ માટે સમરસ ગ્રામ પંચાયતને બાદ કરતા 878 મતદાન મથકો ઉપર મતદાન થશે. જેમાં 957 પ્રિસાઇડીંગ, 957 આસિ. પ્રિસાઇડીંગ, 1081 પોલીંગ ઓફીસર-1, 1370 પોલીંગ ઓફીસર -2, 953 પટાવાળા સહિત કુલ 5318ને ફરજ સોંપવામાં આવી છે. પ્રત્યેક વ્યક્તિ લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં મતદાન અવશ્ય કરે તેવી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.

નોંધનીય છે કે મતદાન મથકોમાં 186 અતિ સંવેદનશીલ, 268 સંવેદનશીલ, 424 સામાન્ય મતદાન મથકો રહેશે. જ્યારે ભરૂચ અને અંકલેશ્વર ખાતે યોજાનારી પેટા ચૂંટણીમાં 11 મતદાન મથકો પૈકી 8 અતિ સંવેદનશીલ, 2 સંવેદનશીલ અને 1 સામાન્ય મતદાન મથક છે.

અન્ય સમાચારો પણ છે...